વઘઇના કૃષિ કેન્દ્ર ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ વિષયક ખેડૂત શિબિરમા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આપ્યુ મનનિય વક્તવ્ય

પ્રાકૃતિક ડાંગની બ્રાન્ડ નેઇમનો લાભ લેવા માટે ખેડુતોને આગળ આવવાનુ આહવાન કરતા મંત્રીશ્રી

રાજ્ય અને કેન્દ્ર સરકારની ગર્ભાધાનથી લઈને મૃત્યુ પર્યંતની સેંકડો યોજનાઓના સથવારે ડબલ એન્જીનની સરકાર પ્રજાજનોના સ્વપ્નને સાકાર કરી રહી છે : મંત્રી શ્રી નરેશભાઈ પટેલ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગના પ્રજાજનોની સુખાકારી માટે હરહંમેશ ચિંતિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રજાહિતનો ખ્યાલ આપતા, ડાંગના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, ડાંગની અમૂલ્ય વનસંપદાને જાળવવા માટે અહીં મધ્યમ કદના ડેમોના નિર્માણ સાથે ડાંગને જળધર બનાવી, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામા સરકાર આગળ વધી રહી છે તેમ જણાવ્યુ હતુ.

પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી દેશી ગાયના ઉછેર માટે પણ પાણીની ખૂબ આવશ્યક છે તેમ જણાવતા આદિજાતિ મંત્રીશ્રીએ ખેડૂતોની ખેતીની જમીનની બદલાઈ રહેલી તાસીરની સૂક્ષ્મ વિગતો વર્ણવી, રસાયણમુક્ત જમીનમા ઉત્પાદિત ખાદ્ય પદાર્થોનુ સેવન કરતા ડાંગના પ્રજાજનોની રોગ પ્રતિકારક શક્તિનો ખ્યાલ આપી, અહીં કોરોનાના સૌથી ઓછા કેસો નોંધાયા હતા તેમ જણાવ્યુ હતુ.

પ્રજાજનોની બદલાયેલી જીવનશૈલી સામે ડાંગમા પ્રાકૃતિક જીવન જીવતા લોકો અને ખેડૂતોને સો ટકા પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમના ઉપર વિશ્વાસ દાખવતા રાજ્ય સરકારે રૂ.૩૧ કરોડ જેવી માતબર રકમ ફાળવીને તેમના શિરે મોટી જવાબદારી મૂકી છે, તેમ પણ પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

શહેરી પ્રજાજનો ડાંગના ખેડૂતો તરફ આશાભરી મીટ માંડી રહ્યા છે તેમ જણાવતા મંત્રીશ્રીએ, બદલાયેલી ખેત પદ્ધતિના સૂક્ષ્મ અભ્યાસ સાથે સફળ ખેડૂતો, અને ખેતરોની જાત મુલાકાત લેવાનુ પણ આહવાન કર્યું હતુ.

ડાંગ સહિત આસપાસના આદિવાસી વિસ્તારના  જિલ્લાઓના મહેનતકશ ખેડૂતોને પાણીની સુવિધા મળી રહે તો તેઓ કોઈનાથી જરા પણ ઉતારતા નથી તેમ જણાવતા મંત્રીશ્રીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના લાભ લેવા માટે વેળાસર વારસાઈ કરાવી લેવાની પણ હાંકલ કરી હતી. પ્રાકૃતિક ડાંગની બ્રાન્ડ નેઇમનો લાભ લેવા માટે ખેડુતોને આગળ આવવાનુ પણ મંત્રીશ્રીએ આ વેળા આહવાન કર્યું હતુ.

મંત્રીશ્રીએ આદિજાતિ સમાજના ઉત્કર્ષ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોની વિગતો રજૂ કરી એકલવ્ય મોડેલ સ્કૂલ, આદિજાતિ છાત્રાલયો, અન્ન અને નાગરિક પુરવઠાની સુવિધાઓ સહિત આદિજાતિ સમાજના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગર્ભાધાનથી લઈને મૃત્યુ પર્યંતની સેંકડો યોજનાઓના સથવારે, ડબલ એન્જીનની સરકાર પ્રજાજનોના સ્વપ્નને સાકાર કરી રહી છે, તેમ જણાવ્યુ હતુ.

આત્મનિર્ભર ભારત, દેશને દિશા દેખાડી વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યુ છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ ભ્રામક પ્રચારમા દોરાયા વિના, સૌને વિકાસ સાધવાની અપીલ કરી હતી.

મહાનુભાવોનુ વક્તવ્ય

પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગના ખેડૂતોને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના અભિયાનના ભાગરૂપે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ અંગેની ખેડૂત શિબિરમા પોતાનુ પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે, પ્રાકૃતિક ખેતીમા જોડાવા માટેની પ્રાથમિક શરતો સાથે, દેશી ગાયની ઉપયોગીતા વર્ણવી હતી.

ડાંગને પ્રાકૃતિક ડાંગનો દરજ્જો અને મહત્વ આપવાનુ પુણ્યકાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે તેમ જણાવતા, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે વડાપ્રધાન હમેશા ડાંગ ઉપર હેત વરસાવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ. પ્રાસંગિક વક્તવ્યમા ધારાસભ્યશ્રીએ ડબલ એન્જીનની સરકારે ડાંગમા ડેરી અને કૃષિ વિકાસમા સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે તેમ પણ ઉમેર્યું હતુ.

કૃષિ પ્રધાન ભારત દેશમા ઘી દૂધની નદીઓ વહેતી હતી તેમ જણાવતા ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવારે, ડાંગની પરંપરાગત ખેતપદ્ધતિનો ખ્યાલ આપ્યો હતો.

હળપતિ શ્રી ભગવાન બલરામના જન્મ દિવસે (હળ છઠ્ઠ) દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર યોજાયેલા પ્રાકૃતિક ખેતી અંગેના કાર્યક્રમની પૂર્વભૂમિકા આપતા નાયબ ખેતી નિયામક શ્રી ખિસ્તાગિયાએ ગાય, ગંગા, અને ગીતાની પવિત્ર ભૂમિને, જમીનને પ્રાકૃતિક રાખવાની જવાબદારી આપણા સૌની છે તેમ જણાવ્યુ હતુ. માનવ જીવનને સ્વાસ્થ્યપ્રદ અને તંદુરસ્ત રાખવાની પણ આપણા સૌની સહિયારી જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

ઉપસ્થિત મહાનુભાવો

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સેમિનાર હોલમા આયોજિત કાર્યક્રમમા વઘઇ તાલુકા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી શકુન્તલાબેન પવાર, તાલુકા/જિલ્લાના સ્થાનિક પદાધિકારીઓ, કૃષિ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પસ્તાગિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી જે.ડી.પટેલ, આત્મા નિયામક શ્રી સંજય ભગરિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કેતન માહલા, સહિત ખેત વૈજ્ઞાનિકો, સફળ ખેડૂતો, તથા સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ : પ્રથમ નજરે

    ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના કુલ ૫૮ હજાર ૮૨૨ હેક્ટર ખેતીલાયક વિસ્તાર પૈકી ૨૫ હજાર ૧૩૧ હેક્ટર વિસ્તારમા પ્રાકૃતિક ખેતી કરવામા આવી રહી છે, જેમા ૧૮ હજાર ૩૯૨ જેટલા ખેડૂતો જોડાયા છે. જિલ્લામા નોંધાયેલા ૩૪૪ જેટલી માસ્ટર ટ્રેનરો દ્વારા ૧૪૫ ખેડૂત મિત્રોના સહયોગ સાથે ૨૩ હજાર, ૪૬૯ ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામા આવી છે.

ડાંગ જિલ્લાને સો ટકા પ્રાકૃતિક ખેતી માટે પ્રવૃત કરવા માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના હેઠળ અને ૨૦૨૦/૨૧ અને ૨૦૨૧/૨૨માં ૩૨૨૯ લાભાર્થીઓની ૩૫૦૦ હેક્ટર જમીન વિસ્તારની ખેતીને પ્રમાણિત કરવામાં આવી છે. જેમા ખેડૂતોને અત્યાર સુધીમા ૩૦૧.૧૦ લાખ રૂપિયાની સહાય પણ ચુક્વવામા આવી છે. આ યોજના અંતર્ગત સને ૨૦૨૨/૨૩ માટે ૪૬૦ નવી અરજીઓ પણ તંત્રને મળવા પામી છે.

આ ઉપરાંત રસાયણમુક્ત યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧/૨૨ની ખરીફ સીઝનમા ખેતી કરતા ૧૩,૪૮૦ ખેડૂતોને રૂ.૬૭૫.૭૫ લાખની સહાય, અને શિયાળુ સિઝનમા ૪૮૭૩ ખેડૂતોને રૂ.૧૧૦.૮૧ લાખની સહાય આપવામા આવી છે. વર્ષ ૨૦૨૨/૨૩ માટે ૩૨૩૧ નવી અરજીઓ મળી છે.

રસાયણમુક્ત ડાંગ જિલ્લાની યોજના APEDA માન્ય પ્રમાણિકરણ (ICS) ની સંખ્યા ૬૧ થઈ છે. જેમા ૧૩,૪૮૦ લાભાર્થી ખેડૂતોના ૧૫,૭૫૫ હેક્ટર વિસ્તારને આવરી લેવાયો છે.

સાથે સાથે જિલ્લામા ૩૧૧ ગામોમા ગામ દીઠ પાંચ ખેડુતો મુજબ ૧૪૬૫ જેટલા મોડેલ ફાર્મ બનાવવાની પ્રક્રિયા આવી રહી છે. આ મોડેલ ફાર્મ માટે ૪૦ કેસર આંબા કલમ, ૩૦ લીંબુ કલમ, ૩૦ સરગવાની કલમ, ૩૦ જમરૂખના રોપા, ૩૦ સીતાફળના રોપા, અને ૧૦ ફણસના રોપા આપવાની યોજના તૈયાર કરવામા આવી છે.

ડાંગમા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મા’ પ્રોજેકટ ધારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૨૩,૪૬૯ ખેડૂતોને તાલીમ આપવા ઉપરાંત ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, અને ખેડૂતોનો અભિગમ બદલવાની કવાયત પણ હાથ ધરવામા આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *