ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મહર્ષિ કપિલ મુનિને વંદન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા જ્ઞાન, આધ્યાત્મ અને સેવાનો ત્રિવેણી સંગમ – સ્વચ્છતા કાર્યક્રમમાં પણ સહભાગી થયા 

સિદ્ધપુરના હિંગળાજ માતાજી મંદિરે પાવન કપિલષષ્ઠી મહોત્સવની ભવ્ય ઉજવણી

પવિત્ર યાત્રાધામ સિદ્ધપુરના હિંગળાજ માતાજી મંદિર ખાતે પરંપરાગત રીતે પાવન કપિલષષ્ઠી મહોત્સવ ની ભારે ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહજી રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યશ્રીએ સૌ પ્રથમ મહર્ષિ કપિલ મુનિને ભાવપૂર્વક નમન કરીને તેમના ચરણોમાં વંદન કર્યા હતા અને ત્યારબાદ હિંગળાજ માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, “ભારતીય ઋષિ પરંપરામાં મહર્ષિ કપિલ મુનિનું વિશિષ્ટ અને ઉચ્ચ સ્થાન છે. સાંખ્ય દર્શનના પ્રણેતા તરીકે તેમણે સમગ્ર માનવજાતને જ્ઞાન, આત્મચિંતન અને આધ્યાત્મિકતાનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. કપિલષષ્ઠીના આ પવિત્ર દિવસે તેમના દિવ્ય જીવન, કઠોર તપસ્યા અને જ્ઞાનપરંપરાનું સ્મરણ કરવું એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.

“સ્વચ્છતા એ જ સેવા:
આ પાવન ધાર્મિક અવસરે મંદિર પરિસરમાં આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં પણ ધારાસભ્યશ્રી સહભાગી બન્યા હતા. તેમણે શ્રમદાન કરીને સૌને સ્વચ્છતા અને સેવા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ આપ્યો હતો અને ધર્મની સાથે કર્મનો સમન્વય સાધ્યો હતો.

 

સંતો-મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિ:
આ દિવ્ય મહોત્સવમાં નગરપાલિકા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, શહેર ભાજપ પ્રમુખશ્રી, APMC ચેરમેનશ્રી, જિલ્લા મંત્રીશ્રી, તાલુકા તથા શહેર મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, મહિલા મોરચો તથા યુવા મોરચાના હોદ્દેદારો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ઉપસ્થિત સંતો-મહંતો, પૂજારીશ્રીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધાર્મિક ભાવનાથી સહભાગી થયા હતા.અંતમાં ધારાસભ્યશ્રીએ પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, “મહર્ષિ કપિલ મુનિના અપાર જ્ઞાન અને હિંગળાજ માતાજીના દિવ્ય આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્માર્ગનું અજવાળું પાથરે તેવી મંગલ કામના.”

 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *