વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ષગાંઠ નિમિત્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે ‘મેગા દિવ્યાંગ સાધનસહાય વિતરણ’ કાર્યક્રમ યોજાયો

જરૂરતમંદ દિવ્યાંગોને ૫૦ ટ્રાયસિકલ, ૫૦ વ્હીલચેર, ૪૦ વોકર, ૫૦૦ હિયરીંગ મશીન અર્પણ કરતાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

દિવ્યાંગો નિર્મિત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓની ખરીદી કરી દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરીએ: કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ

             વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૭૨મી વર્ષગાંઠ નિમિતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષ્ટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને નેહા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીના ઓડિટોરીયમમાં ‘મેગા દિવ્યાંગ સાધનસહાય વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ ભાગ લઈ સરકારની યોજનાઓ થકી વિવિધ સાધનસહાયના લાભો મેળવ્યા હતા. આ અવસરે મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે દિવ્યાંગજનોને ૫૦ ટ્રાયસિકલ, ૫૦ વિલચેર તથા ૪૦ વોકર અને ૫૦૦ હિયરીંગ મશીન અર્પણ કર્યા હતા.

              આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ વર્ગના નાગરિકોની સુખાકારીની હરહંમેશ ચિંતા કરી છે, શહેરથી લઈને છેવાડાના ગામડાંના લોકો સુધી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખાસ કરીને વડાપ્રધાનશ્રીએ દિવ્યાંગોની ભાવના-લાગણીને સમજીને તેમના માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, શરીરમાં કોઈ ઉણપના કારણે કે કુદરતી રીતે વિકલાંગતા આવે છે. આ ‘વિકલાંગ’ શબ્દના સ્થાને વડાપ્રધાનશ્રીએ ‘દિવ્યાંગ’ નામનો સન્માનજનક શબ્દ આપ્યો છે.

            વધુમાં શ્રીમતી જરદોશે જણાવ્યું હતું કે, આપણે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત ધરોહરને જીવંત રાખવાની છે, ત્યારે વિશેષત: દિવ્યાંગો દ્વારા નિર્મિત આર્ટ, ક્રાફ્ટ, કલ્ચર, હેન્ડલુમની વસ્તુઓની ખરીદી કરીને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો કરવા જોઈએ.

            આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી કિશોર બિંદલ, નિરવ શાહ, સંજયભાઈ જૈન, નેહા ફાઉન્ડેશનના હોદ્દેદારો, મહિલા મંડળો તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *