કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોલીસ સ્મૃતિ દિવસના પ્રસંગે રાષ્ટ્રીય પોલીસ સ્મારક ઉપર શહીદ પોલીસ કર્મચારીઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પોલીસ સ્મૃતિ દિવસ પ્રસંગે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ઉપર શહીદ પોલીસ કર્મચારીઓને શ્રધ્ધા સુમન અર્પણ કર્યાં હતાં. આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી શાહે કહ્યું કે, દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતા તથા સાર્વભોમત્વના રક્ષણ બદલ સીમા પર ઉભા સશસ્ત્ર દળના જવાનો તથા સમગ્ર દેશના તમામ પોલીસ કર્મચારીઓના બલિદાન માટે સમગ્ર દેશ તરફથી પોલીસ કર્મચારીઓના સર્વોચ્ચ બલિદાન માટે સમગ્ર રાષ્ટ્ર તરફથી કૃતજ્ઞતાપૂર્વક ભીની આંખે શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું. કેન્દ્રિય ગૃહ મંત્રીએ શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળ તરફથી પણ શહીદ પોલીસ કર્મચારીઓને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ કે, વર્ષ 2014માં જ્યારે મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે એક એવા સ્મારકનુ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો કે જે લોકોને પોલીસ કર્મચારીઓના બલિદાનની યાદ અપાવતું રહે. 21 ઓકટોબર, 2018ના રોજ પ્રધાનમંત્રીએ આ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતું. રાષ્ટ્રીય પોલીસ સ્મારકનુ નિર્માણ જનતા અને ખાસ કરીને આવનાર પેઢીને પોલીસ દળ તરફ જોવાનો દ્રષ્ટીકોણ બદલવાનો મોદી સરકારનો આ એક સાર્થક અને ગંભીર પ્રયાસ છે.

શ્રી અમિત શાહે કહ્યું કે, શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારના લોકોને હું કહેવા માગુ છું કે આ પોલીસ સ્મારક પર માત્ર શહીદોના નામ જ અંકીત થયા નથી પણ 130 કરોડ ભારતીયોના મનની ભાવના પણ અંકીત થયેલી છે. આ માત્ર પથ્થર, ઈંટ અથવા ચૂનાનુ સ્મારક નથી પણ આ સ્મારક આપણને હંમેશાં યાદ અપાવે છે કે આ વીર જવાનોએ દેશની આઝાદીને અમરત્વ આપવાનુ કામ કર્યું છે. ગૃહ મંત્રીએ કહ્યું કે, તેમના લોહીનુ એક એક ટીપું, દેશને વિકાસના માર્ગે આગળ લઈ જઈ રહ્યું છે. ઘણા નવ લોહીયા જવાનોએ દેશના ભવિષ્યને બહેતર બનાવ્યુ છે, દેશને માટે આગળ ધપવાનો માર્ગ તેમણે મોકળો કરી આપ્યો છે. અમિત શાહે એમ પણ જણાવ્યુ હતું કે, અમર શહીદોના સર્વોચ્ચ બલિદાનને કારણે જ દેશ શાંતિથી સુઈ શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) અને પોલીસના 265 કર્મચારી શહીદ થયા છે અને અત્યાર સુધીમાં 35,398 બહાદૂર પોલીસ કર્મચારીઓએ દેશની ખાતર પોતાના જીવનું બલિદાન આપ્યુ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, પોલીસ કર્મચારીઓએ 24 કલાક અને 365 દિવસ ઉભા રહીને પોતાનુ કામ કરવુ પડે છે અને વાર-તહેવાર ઉપર પણ પોતાની ફરજ ઉપર હાજર રહીને પોતાનું કામ કરવુ પડે છે.

શ્રી અમિત શાહે કહ્યું કે, જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે સમગ્ર દુનિયા અચંબિત થઈ ગઈ હતી કે તેનો સામનો કેવી રીતે કરીશું. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેની સાથે કામ પાર પાડવા માટે અનુરોધ કર્યો તો પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના કર્મચારીઓએ તેમાં ઘણી મહત્વની ભૂમિકા બજાવી, દેશના ગૃહ મંત્રી હોવાના સંબંધે મને એ ઉલ્લેખ કરતાં ખૂબ ગર્વ થાય છે કે લૉકડાઉનને અસરકારક રીતે લાગુ કરવામાં પોલીસદળની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે. લાખો પ્રવાસી શ્રમિકોને સહાય કરવાની હોય કે પછી બીમાર લોકોને હૉસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી હોય, રક્તદાનથી માંડીને પ્લાઝમા દાન કરવાની બાબતે પોલીસ કર્મચારીઓએ ક્યારેય પાછા વળીને જોયુ નથી. પોલીસ કર્મચારીઓએ પ્રથમ હરોળમાં ઉભા રહીને કોરોના સામે લડત આપી છે, જેની પ્રધાનમંત્રી સહિત સમગ્ર દેશે પ્રશંસા કરી છે. આ મહામારી સામેની લડાઈમાં આપણા 343 પોલીસ કર્મચારીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેમના આ બલિદાનને કોવિડ સામેની લડાઈમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.

શ્રી અમિત શાહે કહ્યું કે, હું મોદી સરકાર તરફથી પોલીસ કર્મચારીઓને આશ્વાસન આપુ છું કે તમે દેશ અને આંતરિક સુરક્ષા સંભાળો, સરકાર તમારી અને તમારા પરિવારના રક્ષણ માટે હંમેશા તત્પર છે, જાગૃત છે અને કટીબધ્ધ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, હાલમાં પોલીસ સામે અનેક પડકારો પડેલા છે અને તેમનુ કામ અનેક ગણુ વધી ગયુ છે. પોલીસની સામે આતંકવાદ, નકલી ચલણી નોટો, નાર્કોટિક્સ નિયંત્રણ, શસ્ત્રોની દાણચોરી, માનવ તસ્કરી, સાયબર ગુનાઓ અને મહિલાઓ સામેના અપરાધ સહિત ઘણા બધા નવા પડકારો આવી રહ્યા છે. અને તે માટે જ ભારત સરકારે એક સુગઠીત પોલીસ આધુનિકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે. શ્રી અમિત શાહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મોદીજીના નેતૃત્વમાં આપણે દરેક પડકારનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરીશું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, દેશની સીમાઓને અભેદ્ય બનાવવા માટે માનવ બળની સાથે-સાથે ટેકનોલોજીને પણ જોડવાની જરૂરિયાત છે. અને ગૃહ મંત્રાલય તેના માટે વ્યાપક કામગીરી કરી રહ્યું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે, દુનિયાની તુલનામાં ભારતમાં દર એક લાખ વ્યક્તિએ પોલીસ દળની સંખ્યા ઓછી છે. પરંતુ હું તમને આશ્વાસન આપવા માગુ છું કે, મોદીજીના નેતૃત્વમાં અનેક યોજનાઓ ઉપર કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, હાલમાં સંસદના સત્ર દરમિયાન રક્ષા શક્તિ યુનિવર્સિટી મારફતે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં કારકીર્દી બનાવવા માટે સહાય કરવામાં આવશે. બીજી તરફ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના માધ્યમથી વૈજ્ઞાનિકોની અછત ઓછી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસ સમૃતિ દિવસ 21 ઓકટોબર, 1959ના રોજ લદાખના હોટ સ્પ્રીંગ વિસ્તારમાં ભારે હથિયારોથી સજજ ચીની સેનાએ છળ કરીને કરેલા હૂમલામાં શહીદ થયેલા 10 પોલીસ કર્મચારીઓની યાદમાં મનાવવા આવી રહ્યો છે.

કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ, ગૃહ સચિવ શ્રી એ. કે. ભલ્લા, આઈબી નિદેશક શ્રી અરવિંદ કુમાર, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મહા નિદેશક તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM