લાઇસન્સ વિના વ્યાજે નાણાં આપીને ખોટી રીતે વસૂલાત કરનારાઓને હવે જિલ્લા પોલીસતંત્ર નહીં બક્ષે – જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે

કમલમ ન્યુઝ. સમીર શાહ. વ્યારા.

કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદારનીતિએ લોકોને રાહત આપી છે, જેનાથી આજે દરેક સમાજ દેવામુક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છે – જિલ્લા અગ્રણીશ્રી ધનશ્યાભાઈ પટેલ

ગુજરાતને વ્યાજખોરી મુક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અંતર્ગત નાગરિકોમાં સામાજિક જાગૃતિ આવે તે હેતુ સાથે લોકસંવાદ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર વિભાગના સંયુક્ત ઉપક્રમે સરદાર ટાઉન હોલ રાજપીપલા ખાતે “લોક સંવાદ” કાર્યક્રમ યોજાયો હતો.
            જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, વસ્તુ અને નાણાંની લેવડ-દેવડ એ મનુષ્ય જાતિના ઇતિહાસનો સૌથી જૂનો વ્યવસાય છે. લાલચ અથવા મજબુરીના કારણે અત્યાર સુધી લોકોને ખાનગી પેઢી પાસેથી વ્યાજે નાણા લેવાના કારણે મોટું નુકસાન થયું છે. આજે પરવાનગી વગર વ્યાજનો વ્યવસાય કરતા લોકો મર્યાદિત વ્યાજ કરતા વધુ વ્યાજ લઈ રહ્યાં હોવાની અનેક ફરિયાદો સામે આવે છે, લોકો વ્યાજની રકમ ચૂકવવા સક્ષમ ન હોય ત્યારે અન્ય પ્રકારે ત્રાસ તેમજ ધાક-ધમકીથી રૂપિયા ઉઘરાવવા સહિત અન્ય ખોટી રીતે વસૂલાત પણ કરવામાં આવતી હોય છે. તે હવે નર્મદા જિલ્લા પોલીસ નહીં બક્ષે તેમ તેઓએ ઉમેર્યું હતું.
               વધુમાં શ્રી પ્રશાંત સુંબેએ કહ્યું કે, જિલ્લામાં ખોટી રીતે વ્યાજનો ધંધો કરતા લોકો અંગે નિડરતાથી જિલ્લા પોલીસ તેમજ જિલ્લા રજીસ્ટ્રારને ફરિયાદ કરવા અપીલ કરી હતી. આવી માહિતી આપનાર નાગરિકોની વિગતો ગુપ્ત રાખવામાં આવશે. ત્યારે વ્યાજખોરોની ગેરરીતિ અંગે આ લોકસંવાદમાં મેળવેલી માહિતીને અન્ય ૧૦૦ લોકો સુધી પહોંચાડવા શ્રી સુંબેએ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાજનોને અપીલ કરી હતી. 

ધારીખેડા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલે આ અવસરે જણાવ્યું કે, લોકો જરૂરિયાત મુજબ વ્યાજે નાણાં લઈ લે છે પરંતુ તેની ચૂકવણીમાં સફળ થતા નથી. આવા સમયે શ્રોફ પેઢી દ્વારાકરાતી વસૂલાત ત્રાસદાયક લાગતા અનેક અઘટિત ઘટનાઓ બને છે. જેના અનેક દાખલા આપણી સમક્ષ છે. આ વ્યાજખોરીમાંથી મુક્તિ અપાવવા નાગરિકો માટે ગુજરાત સરકારે આ કાયદો અમલી બનાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉદારનીતિએ લોકોને રાહત આપી છે. આજે દરેક સમાજ દેવામુક્ત બનવાનો પ્રયાસ કરી રહ્યો છે અને નર્મદા જિલ્લો પણ તે દિશામાં આગળ વધી રહ્યો છે.
વધુમાં શ્રી ઘનશ્યામભાઈ પટેલે કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો ખર્ચમાંકાપ મૂકી ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી કરી પોતાની આવકને બમણી કરવા તેમજ પશુપાલનને ખેતી સાથે સંકળી લેવા આગ્રહ કર્યો હતો. સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો લાભ લઈને નાના-નાના ઉદ્યોગો શરૂ કરી પોતાના કુટુંબને આર્થિક રીત સમૃદ્ધ બનાવવા તેમજ બાળકોને સારુ શિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો.
જિલ્લા રજીસ્ટ્રારશ્રી અભિષેક સુવાએ સાહુકારનો ધંધો કરનાર અંગે રાજ્ય સરકારના ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ-૨૦૧૧ અંગે લોકોને ખુબ જ સરળ શબ્દોમાં સમજ આપતા જણાવ્યું કે, સૌ પ્રથમ વ્યાજના ધંધા માટે જિલ્લા રજીસ્ટ્રાટર પાસેથી લાયસન્સ મેળવવું જરૂરી છે. સાહુકારો જ્યારે મર્યાદા કરતા વધુ વ્યાજ તથા લોનની વસુલાત કરે તથા અન્ય કોઈ પ્રકારે ગેરરીતિ અપનાવે તો કાયદામાં કરેલી શિક્ષાત્મક પગલાની જોગવાઈએ અંગે લોકોને માહિતગાર કર્યા હતા. લોન કે વ્યાજે પૈસા લેતી વખતે દસ્તાવેજીકરણ દરમયાન કેટલીક સાવધાની રાખવા અંગે પણ વિસ્તૃતમાં જણાવ્યું હતું. જિલ્લા પોલીસતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરી આવી ખોટી નીતિ અપનાવનાર સાહુકારો વિરુદ્ધ ફરિયાદ કરી પોતાની નાગરિક તરીકેની ફરજ અદા કરવા અંગે આગ્રહ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ વસાવા, ડીવાયએસપી શ્રી પી.આર.પટેલ, ડીવાયએસપીશ્રી મયુરસિંહ રાજપૂત, ડીવાયએસપી સુશ્રી વાણી દૂધાત, વિવિધ બેન્કોના પ્રતિનિધિશ્રીઓ, પોલીસ અધિકારી-કર્મચારીશ્રીઓ, નાંદોદના જનપ્રતિનિધશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *