
અમદાવાદ જીલ્લાના રેન્ડમ ૧૮ ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ૫ હજારથી વધુ લોકોના લોહીના નમુના લેવાયા : હાથીપગાનો રોગ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર અને ઇન્ચાર્જ જીલ્લા મેલેરીયા અધિકારી ડો.ચિંતન દેસાઇના માર્ગદર્શન હેઠળ તારીખ- ૧૬/૦૧/૨૦૨૩ થી ૧૯/૦૧/૨૦૨૩ દરમ્યાન વિરમગામ સહિત અમદાવાદ જીલ્લાના ૯ તાલુકાના ૨-૨ ગામ એટલે કે રેન્ડમ સીલેક્ટ કરેલા કુલ ૧૮ ગામમાં માઇક્રો ફાઇલેરીયા (હાથીપગો)ના રોગનું રાત્રી સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા અમદાવાદ જીલ્લામાં ૨૦ વર્ષથી મોટી ઉંમરના રેન્ડમ ૫ હજારથી વધુ લોકોના લોહીના નમુના લેવામાં આવ્યા છે. જેમાંથી એક પણ વ્યક્તિમાં હાથીપગાનો રોગ જોવા મળ્યો નથી.

હાથીપગાનો રોગ એ ક્યુલેક્સ મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ગંદા પાણીમાં ઇંડા મુકે છે. આ મચ્છર રાત્રે કરડે છે અને રોગ ફેલાવે છે. હાથીપગાનો રોગ થયા પછી તેના જીવાણુંની અસર ૫ વર્ષ પછી દેખાય છે. હાથીપગાનો રોગ એલિમિનેશન તરફ હોઇ નોન એન્ડેમિક વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરવાની થતી હોઇ અમદાવાદ જીલ્લાના પસંદ કરેલા રેન્ડમ ૧૮ ગામમાં રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી કુલ ૯૦ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે ફરીને લોહીના નમુના એકત્રીત કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરીયાના રોગને નાબુદ કરવાનો લક્ષાંક રાખાવામાં આવ્યો છે. સર્વેલન્સની કામગીરી પુર્વે તમામ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાથીપગા રોગ અંગે જનજાગૃતી કરવામાં આવી હતી. સર્વેલન્સ કામગીરીનું જીલ્લા તથા તાલુકાકક્ષાએથી સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ