નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના વિવિધ સંવર્ગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવાનો સમારોહ યોજાયો

રાજ્યની યુવાશક્તિના સામર્થ્યને યોગ્ય દિશામાં વિકસાવી ગુજરાતની વિકાસ ગાથાને સતત-અવિરત રાખવી એ રાજ્ય સરકારનો ઉદેશ્ય છે. જે અંતર્ગત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના વિવિધ ઇજનેરી સંવર્ગોમાં પસંદગી પામેલ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી શ્રી કુંવરજીભાઈએ જણાવ્યું કે, આપ સૌ ગુજરાત સરકારનો એક અભિન્ન અંગ બનવા જઈ રહ્યા છો. રાજ્ય સરકારની પણ નવનિયુક્ત ઉમેદવારો પાસેથી એવી અપેક્ષા રહેશે કે, જે પણ સ્થળે નિમણૂંક મળે ત્યાં તેઓ પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે કામ કરીને ગુજરાતની વિકાસગાથામાં સહભાગી થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત અધિકારી-કર્મચારી માટે પ્રોબેશનનો સમય એ શીખવા માટેનો ઉત્તમ સમય હોય છે. આ પ્રોબેશન સમયમાં નવનિયુક્ત અધિકારી-કર્મચારી પોતાના કામને ન્યાય આપી ગુજરાતને વધુ વિકસિત બનાવવાની દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ઉમેદવારોને સંબોધતા કહ્યું હતું કે, નવનિયુક્ત ઉમેદવારોને પાયાની જરૂરિયાત એવી પાણી અને ખેડૂતો સાથે જોડાયેલો વિભાગ સાથે કામ કરવાનો અવસર મળ્યો છે. ત્યારે પાણીનો બચાવ, તેનો યોગ્ય ઉપયોગ અને રાજ્યના ખૂણે ખૂણા સુધી જરૂરિયાતમંદોને પાણી પહોંચાડવા જેવી મહત્વની જવાબદારી આપ સૌની છે, તેમ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, તમારા જેવા જ ઇજનેરી કૌશલ ધરાવતા અધિકારી-કર્મચારીઓના સહયોગથી આજે સરદાર સરોવર ડેમનું પાણી સૌની યોજના થકી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ એસ્ટોલ પ્રોજેક્ટ જેવી અદ્યતન ટેકનોલોજીથી પહાડો ઉપરના ઘર-ઘર સુધી પાણી પહોંચ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી કે. એ. પટેલે પણ ઉમેદવારોનું સ્વાગત કરતા ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ કાર્યપાલક ઇજનેર વર્ગ૧ના ૦૬, નાયબ કાર્યપાલક ઇજનેર વર્ગ૨ના ૫૪, મદદનીશ ઈજનેર વર્ગ૨ના ૧૬૨ અને અધિક મદદનીશ ઇજનેર વર્ગ૩ના ૨૫ ઉમેદવારો મળી કુલ  ૨૪૭ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ સમારોહમાં જળસંપત્તિ વિભાગના ખાસ સચિવ શ્રી કે. બી. રાબડીયા સહિત અધિકારી-કર્મચારીઓ અને પસંદગી પામેલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *