કરમસદ નગરપાલિકા દ્વારા G-20 સમિટ-૨૦૨૩ અંતર્ગત જનજાગૃતિ માટે સિટીવોક (મેરેથોન) યોજાઈ

G-20 સિટિવોક (મેરેથોન)માં નગર સેવકો, નગરજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ જોડાયા

રિપોર્ટ : બીના પટેલ

આણંદ, મંગળવાર ,વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની “વસુધૈવ કુટુમ્બકમ્” ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે ભારત G-20 સમિટ-૨૦૨૩નું યજમાન બન્યું છે.

સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ-૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે કરમસદ નગરપાલિકા દ્વારા G-20 સિટિવોક (મેરેથોન) યોજાઈ હતી. કરમસદ બસ સ્ટેન્ડ થી સરદાર હાઉસ સુધી યોજાયેલ આ સિટી વોકમાં કરમસદ નગરપાલિકાના પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી કૃતિકાબેન પટેલ, ચીફ ઓફિસરશ્રી એચ.બી. રાઠોડ, નગરસેવકો તેમજ નગરજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

કરમસદ નગરપાલિકા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા માસમાં વોર્ડ મિટિંગ, ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ/નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે એમ ચીફ ઓફિસરશ્રી એચ.બી.રાઠોડે જણાવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *