


શૈશવ રાવ રાજપીપળા
આત્મનિર્ભર ભારતના સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ભારતને આ વર્ષે G-20નું યજમાની કરવાનો અવસર મળ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે અન્ય સાહસો પણ તેમાં અનેક રીતે સહભાગી બની રહ્યા છે. જેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સંચાલિત નહેરૂ યુવા કેન્દ્ર-નર્મદા તથા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ-દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી મનીષાબેન શાહની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ દેડિયાપાડા કોલેજ ખાતે G-20 અને Y-20 અંતર્ગત “નેબરહુડ યુથ પાર્લામેન્ટ” યુવા જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી યુવાનોને સંબોધતા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં આપણો દેશ યુવા દેશ તરીકે ઓળખાય છે. આપણા દેશના યુવાધનમાં અનેક શક્તિઓ છુપાયેલી છે જેને ખિલવવા માટે અને યુવાનો તથા દેશના ભવિષ્યને ધ્યાનમાં લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા G-20 અને Y-20 ને કેન્દ્રમાં રાખીને અનેક યુવાનો માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં શહેરી વિસ્તારનો વિદ્યાર્થી G-20ની જે સમજ ધરાવે છે તેવી જ રીતે દેશના છેવાડાના ગામનો વિદ્યાર્થી પણ G-20ની સાચી પરિભાષા સમજી શકે તે દિશામાં આવા કાર્યક્રમો થઈ રહ્યાં છે. જેના થકી સમૃદ્ધ ભારત અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ સાથે આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આપણો દેશ આગળ વધી રહ્યો છે તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
સાંસદશ્રી વસાવાએ “જ્ઞાન આપવાથી વધે છે, તે કદી ઘટતું નથી” તે ઉક્તિને આગળ ધરીને જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેઓ જ્યારે ગુજરાતમાં હતા ત્યારથી જ હંમેશાં દીકરીઓના શિક્ષણની ચિંતા કરી કન્યા કેળવણીનું કામ કર્યું હતું તે જ માર્ગે આગળ ચાલતાં ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં થઈ રહેલા કાર્યો થકી જ આજે વિવિધ ક્ષેત્રોમાં દીકરીઓ નેતૃત્વ કરી રહી છે. ત્યારે હજુ પણ સમયનું મહત્વ સમજીને નવી પેઢીને શ્રેષ્ઠ મંચ પુરૂં પાડવામાં આવે તો તેના જીવનમાં સર્વોત્તમ ઉંચાઈના શિખરો સર કરી યુવાનો રાજ્ય અને દેશની નામના વધારી શકે છે. મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે યુવાશક્તિ ખૂબજ મહત્વની છે તેમ જણાવી ઉપસ્થિત યુવાનોને પ્રગતિના પથ ઉપર આગળ વધી જીવનમાં શ્રેષ્ઠ સિદ્ધી હાંસલ કરવા શુભેચ્છા પાઠવી હતી.
ઉક્ત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા નહેરૂ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી મનીષાબેન શાહે જણાવ્યું કે, દેશના વિકાસની ગતિમાં યુવાનોનું સ્થાન મહત્વનું રહેલું છે, તેથી વિકાસની પ્રક્રિયાના મધ્યે યુવાનોને જોવામાં આવે છે. એટલા માટે જ “મને શું મળશે, તેના કરતાં સક્રિય યુવાન અને દેશના નાગરિક તરીકે મારી શું ભૂમિકા છે” તે દિશામાં આગળ વધી આત્મચિંતન કરવામાં આવે તો આદર્શ રાષ્ટ્રના નિર્માણ માટે દરેક યુવાનો સહભાગીતા નોંધાવી શકે છે. સાથોસાથ અધ્યતન ટેક્નોલોજીના માધ્યમથી તેનો સદઉપયોગ કરીને પણ દેશના વિકાસમાં યુવાનો પોતાની ભાગીદારી નોંધાવી શકે તેમ તેઓશ્રીએ ઉમેર્યું હતું.
દેડિયાપાડા કોલેજના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંચાલક મંડળના સભ્યશ્રી અને નહેરૂ યુવા કેન્દ્રના સક્રિય સભ્ય એવા ડો. પ્રેમપ્યારીબેન તડવીએ પણ પ્રેરક ઉદબોધન કર્યું હતું.
યુવાનોને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કાર્યક્રમમાં G-20 અંગેનું યુવાનો મહત્વ સમજી શકે અને તે દિશામાં આગળ વધે તેવા ઉમદા આશય સાથે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ-દેડિયાપાડા, સરકારી વિનયન કોલેજ-સાગબારા, સરકારી વિનયન કોલેજ-તિલકવાડા અને કૃષિ ઈજનેરી કોલેજ-દેડિયાપાડાના વિદ્યાર્થીઓએ “કેચ ધ રેન” અંતર્ગત જળ અભિયાન, યુવા નેતૃત્વ, દેશના વિકાસમાં યુવાનોનું મહત્વ જેવા વિષયોને કેન્દ્રમાં રાખીને પોતાના સંશોધન પેપર રજૂ કર્યા હતા. જે સાંભળીને સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ યુવાનોને બિરદાવ્યા હતા.
G-20 અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા વર્ષ દરમિયાન ચાલનારા વરસાદી પાણી બચાવાના અભિયાનનો પણ આજરોજ સાંસદશ્રી મનસુખભાઈ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરાવાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી હિતેશભાઈ વસાવા, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના ઈન્ચાર્જ આચાર્ય ડો.આર.કે.વસાવા, નહેરૂ યુવા કેન્દ્ર-નર્મદાના પ્રોગ્રામ ઓફિસરશ્રી ચંદ્રકાન્ત બક્ષી, બાળકોને કેન્દ્રમાં રાખીને વિવિધ કામગીરી કરતી સંસ્થા યુનિસેફના જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી જયમીત રાણા, કોલેજના અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.