ભૌતિકવાદી દુનિયાથી પર થઈ સમાજના વંચિત વર્ગના આંસુ લૂછવા અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવું એ જ પરમ ધર્મ – રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

એક કામ દેશ કે નામ સંસ્થા દ્વારા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતમાં પ્રતિષ્ઠા પુરસ્કાર સમારોહ યોજાયો

અમદાવાદ ખાતે ૨૧મા સીમાચિહ્નરૂપ પર્યાવરણ, માનવ સંસાધન અને સી.એસ.આર એવોર્ડ તથા પરિસંવાદનું આયોજન

પર્યાવરણની સુરક્ષા, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ઔધોગિક એકમના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા

નાની ઘટનાઓ પણ જીવનને નવી દિશા આપી માનવ કલ્યાણનું માધ્યમ બની શકે છે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ભૌતિકવાદી દુનિયાથી પર થઈ સમાજના વંચિત વર્ગના આંસુ લૂછવા અને રાષ્ટ્રસેવામાં યોગદાન આપવું એ જ પરમ ધર્મ – રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પર્યાવરણની સુરક્ષા, માનવ સંસાધન વિકાસ અને કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ તથા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મિશન’ એક કામ દેશ કે નામ અંતર્ગત ‘૨૧મા EXCEED Environment, HR and CSR Award & Conference 2026’ નું ભવ્ય આયોજન અમદાવાદના મોટેરા ખાતે કરવામાં આવ્યું હતું.

એક કામ દેશ કે નામ સંસ્થા દ્વારા આયોજીત ગૌરવપૂર્ણ સમારોહમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જીવનમાં એક નાની ઘટના પણ વ્યક્તિને પ્રેરણા આપીને આવનારી પેઢીઓના કલ્યાણનું માધ્યમ બનાવી શકે છે. તેમણે ભગવાન બુદ્ધ દ્વારા વૃદ્ધાવસ્થા અને મૃત્યુના દ્રશ્યથી પ્રેરિત થઈ માનવતાનો માર્ગ અપનાવવો, ન્યૂટન દ્વારા સફરજન પડવાની ઘટના પરથી ગુરુત્વાકર્ષણની શોધ કરવી અને વરાળની શક્તિથી રેલવે એન્જિનની શોધ જેવા ઐતિહાસિક ઉદાહરણો ટાંકીને ઉમેર્યું કે, સંવેદનશીલ વ્યક્તિ સામે બનતી નાની ઘટનાઓ સમગ્ર માનવજાતને નવી દિશા આપે છે.

એક કામ દેશ કે નામ સંસ્થાના કાર્યોની પ્રશંસા કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દિવ્યાંગ બાળકો, દ્રષ્ટિહીન બાળકો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં શિક્ષણ અને સન્માનજનક જીવન પૂરું પાડવાનું કાર્ય પ્રશંસનીય છે. રણપ્રદેશમાં થયેલો વરસાદ જેમ પરિણામદાયી બને છે, તેમ જ જરૂરિયાતમંદો સુધી પહોંચીને કરવામાં આવેલી માનવતાની સેવા જ સાચા અર્થમાં સાર્થક છે.

ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણી મૂડી ઋષિ-મુનિઓ અને સાધુ-સંતોની વિરાસત છે, જે આપણને સ્વાર્થથી ઉપર ઊઠીને અન્યો માટે જીવવાની પ્રેરણા આપે છે. આ સાથે મહર્ષિ દયાનંદ સરસ્વતીનો સંદેશ ટાંકતા જણાવ્યું કે વ્યક્તિ ત્યારે જ સાચા અર્થમાં માનવ કહેવાય જ્યારે તે માત્ર પોતાની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ જુએ છે.

રાજયપાલશ્રી એ વધુમાં ઉમેર્યું કે, વસુધૈવ કુટુમ્બકમ’ એ આપણી સંસ્કૃતિનો આત્મા છે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં દીન-દુખીઓની સેવા કરવી અને પરોપકાર કરવો તે જ જીવન સાર્થક કરે છે.

રાજ્યપાલશ્રીએ ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓને આહ્વાન કર્યું હતું કે ભૌતિકવાદી દુનિયામાં માત્ર પોતાના વિકાસ પૂરતા મર્યાદિત ન રહેતા, સમાજના વંચિત વર્ગના આંસુ લૂછવા અને સંવેદનશીલતા સાથે રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું એ જ આપણો પરમ ધર્મ છે.

રાજ્યપાલશ્રીએ સેવાભાવી અગ્રણીઓને સંબોધતા જણાવ્યું હતું કે, માણસ માત્ર પોતાના માટે જીવે તેના કરતાં માનવ કલ્યાણ અને રાષ્ટ્ર સેવાના કાર્યો કરીને લોકોના દિલમાં સ્થાન બનાવે તે જ સાચા અર્થમાં અમર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે ‘કીર્તિઃ યસ્ય સ જીવતિ’ – જે વ્યક્તિ પોતાના સત્કાર્યોથી સમાજમાં યોગદાન આપે છે તે સદા જીવંત રહે છે.

રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનું આદર્શ ઉદાહરણ આપતાં રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે લંકા વિજય બાદ સોનાની લંકા હોવા છતાં ભગવાન શ્રીરામે જનની જન્મભૂમિશ્ચનો સંદેશ આપી માતૃભૂમિ પ્રત્યેના સમર્પણનો માર્ગ બતાવ્યો હતો. આજે એ જ રાષ્ટ્રપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાની ભાવના સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્ય તરફ દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ મહાયજ્ઞમાં સમાજના દરેક વર્ગે પોતાના ક્ષેત્રમાં ઈમાનદારી અને રાષ્ટ્ર પ્રથમના ભાવથી યોગદાન આપવું જોઈએ.

ધન અને સાધન સંપત્તિના સદુપયોગ અંગે વિગતવાર વાત કરતા તેમણે કહ્યું કે ધનની ત્રણ ગતિ છે, દાન, ભોગ અને નાશ. જેમાંથી પાત્ર અને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું એ ધનની સર્વોત્તમ ગતિ છે.

પોતાના સંસ્મરણો અને અનુભવો અંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ખેતરમાં જંતુનાશકોના છંટકાવ દરમિયાન એક શ્રમિકની બેભાન થવાની ઘટનાએ તેમના મનમાં ઊંડો વિચાર જગાડ્યો હતો. માત્ર શ્વાસમાં જવાથી જ જંતુનાશક આટલું વિપરીત પરિણામ આપી શકે, તો દરરોજ અનાજ અને શાકભાજી દ્વારા આપણા શરીરમાં જતું રસાયણ ધીમા ઝેર સમાન છે. આ ઘટના બાદ તેમણે પ્રાકૃતિક કૃષિ અપનાવી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે યૂરિયા અને ડી.એ.પી.ના અતિશય વપરાશથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી રહ્યો છે, જમીન બંજર બની રહી છે અને પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આજે નાની વયે કેન્સર, હૃદયરોગ અને કિડનીની તકલીફો વધવાનું મુખ્ય કારણ પાકમાં લેવાતા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકો છે. આ પરિસ્થિતિમાંથી દેશ અને સમાજને ઉગારવા માટે ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ અને એકમાત્ર ઉકેલ છે.

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સહુને અપીલ કરી હતી કે, વિદ્યાવાન વિદ્યાનું દાન કરે, સમર્થ લોકો વસ્ત્ર અને અન્નનું દાન કરે અને રાષ્ટ્ર તથા સમાજને ઊંચો લાવવાના આ મહાયજ્ઞમાં પોતાની શ્રેષ્ઠ સેવાઓ આપે. સમાજના દરેક વર્ગે એકજૂથ થઈને દેશને સમૃદ્ધ અને આરોગ્યપ્રદ બનાવવા માટે આગળ આવવું એ જ સાચું રાષ્ટ્રકામ છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને CSR ફંડના માધ્યમથી દિવ્યાંગ બાળકો, ગરીબ વિદ્યાર્થીઓનું શિક્ષણ, વૃક્ષારોપણ, જળ સંચય અને પર્યાવરણ સંરક્ષણ જેવા સેવાકીય પ્રકલ્પો ચલાવી રહેલા સમાજશ્રેષ્ઠીઓ તથા સેવાભાવી અગ્રણીઓની કામગીરીને રાજ્યપાલશ્રીએ બિરદાવી હતી.

આ તકે પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન ટેકનોલોજી, શ્રેષ્ઠ HR નીતિઓ અને ઉત્કૃષ્ટ CSR પ્રોજેક્ટ્સ માટે વિવિધ શ્રેષ્ઠ સંસ્થાઓ અને કોર્પોરેટ ગૃહોને રાજ્યપાલશ્રીના હસ્તે ‘EXCEED Award 2026’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં એક કામ દેશ કે નામ સંસ્થાના અધ્યક્ષ શ્રી રાજીવ બબ્બર, મહાસચિવ ડો. પ્રણવી, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *