રિપોર્ટ, મયુર પટેલ

૫ લાખ લિટરનું લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સ્થાનિક પશુપાલકો સાથે મીટીંગ કરવામાં આવી,,


સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાનાં ૧૨૦૦ જેટલા ગામડાઓમાંથી દૈનિક સરેરાશ ૧૮ લાખની લિટર જેટલા દૂધનું સંપાદન કરવામાં આવે છે અને ૨.૫૦ લાખ જેટલા લોકોને ઘર બેઠા રોજગારી પૂરી પાડવામાં આવે છે. સુમુલ ડેરીના બોર્ડ દ્વારા સુરત અને તાપી જીલ્લાના પશુપાલકોના વિશાળ હિતને ધ્યાને રાખી દૂધના સંપાદન અને વેચાણ માટે માઇક્રો લેવલે આયોજન કરવામાં આવતુ હોય છે. આજ અનુસંધાને સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલ અને સુમુલના નિયામક મંડળ દ્વારા રાજય બહાર અન્ય રાજયોમાં પણ સુમુલ પહોંચે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા જેના ફળ સ્વરૂપે ગુજરાત રાજય બહાર મહારાષ્ટ્ર રાજયમાં યશવંતપુર, તા.શીરાળા,જી.સાંગલી ખાતે આજે તા. ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ દૂધના પ્રોસેસિંગ,પેકિંગ અને વેચાણ માટેની જીસીએમએમએફ લી.,આણંદની મંજૂરી મળતા દૂધ પ્રોસેસિંગ,પેકિંગ અને વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાયો છે. ભવિષ્યમાં અહી જ આસપાસનાં વિસ્તારોમાંથી દૂધ સંપાદન ૫ લાખ લિટર સુધી લઇ જવા માટે પણ આયોજન અત્યારથી જ કરી દેવામાં આવ્યું છે. આજરોજ કોલ્હાપુર ખાતે સ્થાનિક પશુપાલકો અને બીસીયુ ધારકો સાથે મીટીંગ કરી.તેઓના પ્રશ્નો સાંભળ્યા અને તેનું નિરાકરણ કર્યું. ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતે ૮૫૦૦૦ લીટરથી ૫ લાખ લિટર સુધી દૂધ ઉત્પાદન વધારવાના ભાગરૂપે જયસિંગપુર(કોલ્હાપુર) ખાતે સંપૂર્ણ મહિલાઓ સંચાલિત દૂધ મંડળી (બીસીયુ)ની શરૂઆત કરાવી.
મહારાષ્ટ્રના સ્થાનિક પશુપાલકોને વેટરનરી સર્વિસીસ,ઉચ્ચ કક્ષાનું ખાણ-દાણ અને અન્ય સેવાઓ પણ આપવામાં આવશે. શ્રી માનસિંહ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં સુમુલ દ્વારા મહારાષ્ટ્ર ખાતે જ દૂધનું સંપાદન થતા દુધના પરિવહન ખર્ચમાં મોટો ઘટાડો કરી શકાશે અને “અમુલ” બ્રાન્ડથી કોલ્હાપુર,ગોવા, અને કર્ણાટકના મોટા શહેરોને દૂધ સાથે દહીં,પનીર, ક્રીમ, છાશ વગેરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો પણ અહીં બનાવાશે અને તેનું વેચાણ કરવામાં આવશે. આમ સુમુલની આવકમાં વધારો થતા તેનો લાભ સુરત અને તાપીના પશુપાલકોને મળશે.
આ કાર્યક્રમમાં શ્રી જયેશભાઈ પટેલ,શ્રી કાન્તીભાઈ ગામીત, શ્રી શૈલેશ પટેલ,મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકો, યશવંતપુર પ્લાન્ટના માલિકો શ્રી સત્યજીત નાઈક,એમડી શ્રી પુરોહિત અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ પાઠક, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ અને સુમુલના અન્ય ડીરેક્ટરશ્રીઓએ ટેલિફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી.
