તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ત્રીજો આયુષ મેળો યોજાયો

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ.
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, આયુષ કચેરી, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા કુકરમુંડા સ્થિત શેઠ એચ.કે.કાપડિયા હાઇસ્કુલ, મેઇન રોડ ખાતે આયુષ મેળાનું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને તથા ઇંચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.જે.વલવી સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર સુશ્રી ભાર્ગવી દવેએ જણાવ્યું હતું કે, કોરોનાએ આપણને આયુર્વેદ અંગે વધારે જાગૃત કર્યા છે. આયુર્વેદ એક ગહન અને ખુબ ઉંડું શાસ્ત્ર છે. તેમણે પોતાના પરિવારના અનુભવો વર્ણવતા આયુર્વેદના ફાયદા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આયુર્વેદ રોગને જળમુળથી કાઢી નાખે છે. બિમારીને મૂળમાંથી નષ્ટ કરવાનું કામ આયુર્વેદ કરે છે. આયુર્વદથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી. તેમણે આયુર્વેદમાં ધિરજ અને વિશ્વાસ રાખી દવાઓ કરાવવાની જરૂર છે એમ સમજ આપી હતી. આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી સોનલ પાડવીએ આ મેળામાં ઉપલબ્ધ વિવિધ સ્ટોલ જેમા દવાઓ અને સારવારનો બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં જિ.પં.દંડકશ્રી રાહુલ ચૌધરીએ આયુર્વેદનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, સરકારશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વર્તમાન સરકાર ઘર આંગણે આવીને વિકાસના કામો કરે છે. જવાબદાર નાગરિક તરીકે આપણો તાલુકો પાછળ ન રહે તે જોવાની જવાબદારી આપણી છે. તેમણે ભુલાઇ ગયેલા આયુર્વેદના મહત્વને સમજીને તેને જીવનમાં અપનાવીએ એમ વિનંતી કરી હતી. આ પ્રસંગે નિલેશભાઇએ આયુર્વેદનું મહત્વ સમજાવતા કહ્યુ હતું કે, સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ દર રોજ નરણા કોઠે હરડેનું સેવન જરૂર કરવું જોઇએ. આયુર્વેદની દરેક દવાઓ નિર્દોષ હોય છે તેનાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી. તેમણે અગ્નિકર્મ વિશે વિસ્તૃત જાણકારી આપી તનો વિશેષ લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે યોગ ઇન્સ્ટ્રક્ટરશ્રી રેખાબેન પાડવીની ટીમ દ્વારા યોગના આસનો પ્રદર્શિત કરીને સૌને દૈનિક ધોરણે યોગ કરવા અપીલ કરી હતી. આ સાથે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રી સહિત મહાનુભાવોના હસ્તે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *