
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નીતિન નવીનજીના આહવાન અંતર્ગત, સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર અને ભારતીય સંવિધાનના સન્માનાર્થે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ખાતે વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આદિગુરુ શંકરાચાર્ય હોલ ખાતે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ (બકાભાઈ)એ ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલ, રજિસ્ટ્રાર શ્રી ભાઈલાલભાઈ પટેલ તથા વિભાગના વડા (HOD) શ્રી રમેશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સંવાદ દરમિયાન સાંસદશ્રીએ ભારતીય સંવિધાનનું મહત્ત્વ, બાબાસાહેબ ડૉ. આંબેડકરનું રાષ્ટ્રનિર્માણમાં યોગદાન તથા સંવિધાનના મૂલ્યો અને આદર્શો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંવિધાનના ગૌરવ અને બાબાસાહેબના સન્માન માટે હાથ ધરવામાં આવેલા વિવિધ કાર્યો, પ્રયાસો અને ઐતિહાસિક પહેલોની માહિતી આપી હતી.

તેમણે ખાસ કરીને સંવિધાન દિવસની ઉજવણીની શરૂઆત, પંચતીર્થનો વિકાસ, કલમ 370ની નાબૂદી, નારી શક્તિ વંદન અધિનિયમ, GST તથા સામાજિક ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપતા વિવિધ સંવિધાનિક સુધારાઓ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
યુવાનોને સંબોધતાં સાંસદશ્રીએ શિક્ષણને જીવનની પ્રગતિનો પાયો ગણાવી બાબાસાહેબના મંત્ર “શિક્ષિત બનો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો”ને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. સાથે જ મતદાન, નાગરિક ફરજોનું પાલન, રાષ્ટ્રપ્રત્યેની જવાબદારી અને ભ્રામક પ્રચારથી સાવચેત રહેવા યુવાનોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના અંતે યુવાનોને બાબાસાહેબના સમાનતા, ન્યાય અને બંધુતાના વિચારોને આત્મસાત કરીને વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવામાં સક્રિય યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું હતું.