અગમચેતી એજ સલામતી : ખેડૂત માટે જાણવા જોગ સંદેશો

શૈશવ રાવ રાજપીપળા

કમોસમી વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લાના ખેડૂતોએ કેટલીક તકેદારી રાખવી

         રાજપીપલા, બુધવાર :- હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧૫.૦૩.૨૦૨૩ થી તા.૧૯.૦૩.૨૦૨૩ દરમિયાન સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા અને નવસારી જિલ્લાઓમાં કમોસમી માવઠું/છુટાછવાયા/સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટાભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા નર્મદા જિલ્લાના ખેડુતોને જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી-નર્મદા દ્વારા જણાવાયું છે.

          જિલ્લાના ખેડૂતોએ કમોસમી વરસાદથી થતા પાક નુકશાનથી બચવા માટે પોતાના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા દરમ્યાન ટાળવો.  ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રાખવો. એ.પી.એમ.સીમાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સીમાં અનાજ કે ખેત પેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો શક્યત: આ સમયગાળા દરમ્યાન વાતાવરણનું નિરીક્ષણ કરી લઈ જવાનું ટાળવું અથવા સુરક્ષિત રાખવા જણાવાયું છે.

           આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી / બાગાયત અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરી શકાશે. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *