રિપોર્ટ ,મયુર પટેલ
ગુજરાતના વિકાસકીય માહોલનો અરીસો એટલે ‘‘ગુજરાત પાક્ષિક’’


ગુજરાતના આયોજનબદ્ધ વિકાસ તેમજ યોજનાકીય સિદ્ધીઓને જનતા સમક્ષ મૂકતું દર પંદર દિવસે પ્રગટ થતું રાજ્ય સરકારનું મુખપત્ર “ગુજરાત પાક્ષિક” પ્રચાર માધ્યમોમાં આગવી ઓળખ ધરાવે છે. રાજય સરકારની લોકોપયોગી યોજનાઓ, ગુજરાતનો લોકવારસો, કૃષિ, ઉદ્યોગ વિકાસ, શહેરી વિકાસ, સંશોધન, ઉજવણી, ફ્લેગશીપ કાર્યક્રમો, પુરસ્કાર, કિસાનોની કોઠાસુઝ, ફલશ્રુતિ વગેરેની માહિતી જનસમુહને ગુજરાત પાક્ષિક દ્વારા મળતી રહે છે, ત્યારે સુરત જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના નાગરિકો સુધી આ પાક્ષિક પહોંચે અને તેઓ જ્ઞાનનું ભાથું મેળવી શકે એવી ભાવનાથી સુરત અને તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલે આજે કુલ ૧૦૮૯ જેટલા ગુજરાત પાક્ષિકના લવાજમોનો ચેક નાયબ માહિતી નિયામકશ્રી-સુરતને અર્પણ કર્યો હતો.
નોંધનીય છે કે, ગુજરાતના વિકાસકીય માહોલનો અરીસો એટલે ‘‘ગુજરાત પાક્ષિક’’ એવી ઉપમા ધરાવતા આ પાક્ષિકમાં ગુજરાતના સમાજજીવન, વેશભૂષા અને ભાષા-બોલીઓ, લોકસંસ્કૃતિ, આદિજાતિ પરંપરા અને એમનું સામાજિક જીવન, દિવ્યાંગો, ખેડૂતો, મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, કારકિર્દી માર્ગદર્શન જેવા વિવિધતાસભર અનેક ક્ષેત્રની વિશદ માહિતી અને જ્ઞાન લોકોને અને ખાસ કરીને યુવાનોને મળી રહ્યું છે. પાક્ષિકમાં અનેક ઉપયોગી લેખો દ્વારા રાજ્ય સરકારના પગલાઓની વિસ્તૃત છણાવટ કરીને વાંચનનો રસથાળ પીરસવામાં આવે છે. સરકારની કામગીરી અને વિધાનસભામાં ગુજરાત સરકારના અનેક નિર્ણયો, યોજનાઓ વગેરેની આધારભૂત અને સચોટ માહિતી આ મેગેઝીનમાંથી મળી રહે છે.