નવી દિલ્હી સ્થિત સંસદ ભવન પરિસરમાં કોરિયા ગણરાજ્ય (દક્ષિણ કોરિયા)ના સંસદીય પ્રતિનિધિમંડળના સન્માનમાં મધ્યાહન ભોજનનું આયોજન કરવાની તેમજ તેમની સાથે મહત્વપૂર્ણ અને ફળદાયી સંવાદ સાધવાની તક પ્રાપ્ત થઈ હતી.આ પ્રસંગે દક્ષિણ કોરિયાના માનનીય સાંસદશ્રીઓ શ્રી કિમ જુંગ હો (અધ્યક્ષ, જળવાયુ, ઊર્જા, પર્યાવરણ અને શ્રમ સમિતિ), શ્રી મૂન જ્યોંગ બોક, શ્રી કાંગ સેઉંગ ક્યુ તથા સુશ્રી લી જૂ યંગ સાથે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, સંસદીય સહયોગ, ટેક્નોલોજી ટ્રાન્સફર, રોકાણ અને નવીનતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૂરંદેશી અને સશક્ત નેતૃત્વમાં ભારત વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. આ સંદર્ભમાં વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા, આધુનિક ટેક્નોલોજીના આદાન-પ્રદાન તથા ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ઔદ્યોગિક અને ટેક્નોલોજીકલ સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતની યુવા શક્તિ, પ્રતિભા અને વિશાળ ક્ષમતાઓ સાથે દક્ષિણ કોરિયાની અદ્યતન ટેક્નોલોજી અને નિપુણતાનો સમન્વય બંને દેશો માટે નવી તકોનું સર્જન કરશે. આ સહયોગથી રોકાણ, રોજગાર, ઔદ્યોગિક વિકાસ અને નવીનતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિના માર્ગો ખુલશે.

ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં આ સંવાદ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વૈશ્વિક ભાગીદારી, આધુનિક ટેક્નોલોજી, નવીનતા અને આત્મનિર્ભરતાના માર્ગે ભારત સતત અગ્રેસર છે.