
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આયોજિત ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ના સમાપન સમારંભમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓ આજે ખુદ અહીં ખેલાડી તરીકે રમતા નજરે પડ્યા, એ જોઈને આનંદ થાય છે. વડાપ્રધાનશ્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના લક્ષ્યને આપ સૌએ મળીને અહીં સાકાર કર્યું છે, એમ કહીને તેમણે વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થયેલ ‘ખેલ મહાકુંભ’થી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થયું છે. તેમના માર્ગદર્શનમાં વિકસિત કરવામાં આવેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાત આજે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સના આયોજનનું હબ બની રહ્યું છે. વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સફળ પ્રયાસોથી ગુજરાત ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે. ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન માટે પણ ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ‘ફિટ ઇન્ડિયા’નો મંત્ર આપીને રમતગમતના માધ્યમથી સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ દ્વારા સ્વસ્થ રાષ્ટ્રની પ્રેરણા આપી છે. ‘ફિટ ઈન્ડિયા’ અભિયાન હવે દેશના તમામ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવનારું એક જનઆંદોલન બની ગયું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ અને રમતગમતનો સંબંધ માત્ર શારીરિક ક્ષમતાનિર્માણ પૂરતો જ સીમિત નથી, પરંતુ તેનાથી માનસિક મજબૂતાઈ, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ પણ વિકસિત થાય છે. વર્દી પહેરીને સમાજની સુરક્ષા કરવી અને રમતના મેદાનમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું—આ બંને જવાબદારીઓ ગૌરવપૂર્ણ છે. તમે આ બન્ને જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવી રહ્યા છો, એમ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ૨૫૧થી વધુ મહિલા પોલીસકર્મીઓએ પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. નારીશક્તિ પોલીસ દળ અને રમતગમત જગત બન્ને ક્ષેત્રોમાં આગળ છે, તેનું આ એક બહુ મોટું ઉદાહરણ છે. ગુજરાતના ડી.જી.પી. શ્રી મલિક પોતે પણ આ સ્પર્ધામાં એક ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા અને સૌના માટે પ્રેરણા બન્યા, તેનું ગૌરવ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને પહેલીવાર આ રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાના આયોજનનો અવસર મળ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી ચૂક્યું છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના આભારી છીએ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના ‘નશામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં પોલીસકર્મીઓની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ડ્રગ્સના દૂષણને જડમૂળથી ખતમ કરવામાં તમે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્યરત રહેશો અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનશો, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ટૂર્નામેન્ટના સમાપનની સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફ્લેગ હેન્ડિંગ સેરેમની કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગુજરાતને પ્રથમ વખત આ રાષ્ટ્રીય પ્રતિયોગિતાની યજમાની મળવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ૧૦ કેન્દ્રીય પોલીસ સંગઠનો, ૨૪ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો મળીને દેશભરની કુલ ૩૮ ટીમોના ૧,૦૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં લગભગ ૨૫% મહિલા ખેલાડીઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારી એ પોલીસ દળમાં વધતા મહિલા સશક્તિકરણ અને રમતગમત પ્રત્યેના લગાવનું પ્રતીક છે.

પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને ખેલભાવના પર ભાર મૂકતા રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે, એક સ્વસ્થ પોલીસકર્મી જ મજબૂત પોલીસ દળનો પાયો હોય છે. આ ટૂર્નામેન્ટ માત્ર રમત પૂરતી સીમિત ન રહેતા દેશભરના વિવિધ પોલીસ સંગઠનોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની છે. વિજેતાઓની સાથે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા તેમણે ઉમેર્યું હતું કે, જીત સન્માન અપાવે છે પરંતુ નિરંતર મહેનત જ સાચી ઓળખ અપાવે છે, અને તેમણે ગુજરાત પોલીસની આયોજન સમિતિ, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ તથા ટેકનિકલ અધિકારીઓનો સફળ આયોજન બદલ આભાર માન્યો હતો.
ઇન્ટેલિજન્સ બ્યુરોના એડિશનલ ડિરેક્ટર શ્રી રાજીવ આહિરે ઑલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી મહેશ દીક્ષિતનું પ્રાસંગિક ઉદ્બોધન વાંચી સંભળાવ્યું હતું. અધિક પોલીસ મહાનિદેશક (આર્મ્ડ યુનિટ્સ) શ્રી પીયૂષ પટેલે ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર ૨૦૨૬-૨૭’ સ્પર્ધાની રૂપરેખા આપીને પરિણામ સહિતની વિગતો રજૂ કરી હતી. આઇજી એડમિન સુશ્રી ગગનદીપ ગંભીરે આભારવિધિ કરી હતી.
સમાપન સમારંભમાં અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, ગૃહ વિભાગના સચિવ સુશ્રી નિપૂણા તોરવણે સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ડીજીપી શ્રી કે. એલ. એન. રાવ સહિતના રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય પોલીસના વિવિધ વિભાગો, વિવિધ રાજ્યોના પોલીસ દળો તથા કેન્દ્રીય પોલીસ સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિક સહિત ગુજરાતના પોલીસ અધિકારીઓનો દબદબો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને મેડલ એનાયત
આ પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જેમાં બેડમિન્ટન ક્લસ્ટરમાં સીઆરપીએફ (CRPF) ઓવરઓલ ચેમ્પિયન અને મિઝોરમ પોલીસ રનર-અપ રહી હતી. ટેબલ ટેનિસ વિભાગમાં પુરુષોની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં મણિપુર પોલીસે વિજેતા અને ઉત્તર પ્રદેશ પોલીસે રનર-અપ ટ્રોફી મેળવી હતી, જ્યારે મહિલાઓની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઉત્તર પ્રદેશ પોલીસ ચેમ્પિયન અને મણિપુર પોલીસ રનર-અપ બની હતી. આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું; જેમાં રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિક અને આંધ્રપ્રદેશના શ્રીમતી સ્વરૂપા રાનીની જોડીએ મિક્સ ડબલ્સ ૫૫+ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, ગુજરાતના ડીવાયએસપી શ્રી કે. મિની જોસેફ અને ડીવાયએસપી શ્રી જીતેન્દ્ર યાદવે મિક્સ ડબલ્સ ૫૦+ કેટેગરીમાં ગોલ્ડ મેડલ, જ્યારે ડીવાયએસપી શ્રી જીતેન્દ્ર યાદવ અને હરિયાણા કેડરના ડીવાયએસપી શ્રી વિપિન કાદિયાનની જોડીએ મેન્સ ડબલ્સ ૪૦+ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, જે તમામ વિજેતા ખેલાડીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.