આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો “કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન”

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખા દ્વારા એન.એફ.એસ.એમ. ન્યુટ્રીસીરીયલ યોજના અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ક્રોપ ડાઈવર્સીફિકેશન પ્રોગ્રામ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સિટીની બી. એ.કોલેજ ઓફ એગ્રિકલચરના ઓડીટોરિયમ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં ‘કૃષિ મેળો-વ-કૃષિ પ્રદર્શન” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ મિલેટસ વર્ષની ઉજવણીમાં ભારતના યોગદાન વિશે જણાવી વડાપ્રધાનશ્રીના મિલેટસનો વધુમાં વધુ ઉપયોગ થાય અને દેશના નાગરિકોની તંદુરસ્તી જળવાય તેવા આહવાન ને ધ્યાને લઈ પ્રત્યેક વ્યક્તિને ખોરાકમાં મિલેટ્સનો વધુમા વધુ ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. શ્રી સોલંકીએ જાડાં ધાન્યના ઉપયોગથી આપણે આવનારી પેઢીઓને ઘણી બધી બિમારીઓથી બચાવી શકીએ છીએ તેમ જણાવી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં સહભાગી બની સૌને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સૂચન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારે દેશને પ્રાકૃતિક ખેતીમાં સમગ્ર વિશ્વમાં અગ્રેસર બનાવવા આપણે સૌએ ખેતીમાં ગાય આધારિત પદ્ધતિ અપનાવીને, રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવાનું જણાવી, બાજરી, જૂવાર અને રાગિ જેવા પારંપરિક પાકોનુ વાવેતર વધારવા જણાવ્યુ હતું. તેમણે આ તકે મિલેટ્સની મહત્તા સમજાવી તેનાથી સ્વાસ્થયને થતા ફાયદાઓની વિગતે વાત કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એસ.ગઢવીએ પોતે એક ખેડૂતપુત્ર છે એ માટે ગર્વની લાગણી અનુભવે છે તેમ કહી જિલ્લાના ખેડૂતોને કોઇપણ સમસ્યા હોય તો જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગને સંપર્ક કરવા જણાવ્યુ હતું તેમજ તેમણે ખેતીવાડી વિભાગની કામગીરીને શ્રેષ્ઠ ગણાવી ખેતીવાડી વિભાગ અને શાખા,આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ખેતીમાં આપેલા યોગદાન માટે અભિનંદન પાઠવ્યા હતા. 

આ કાર્યક્રમમાં પેટલાદના ધારાસભ્યશ્રી કમલેશભાઈ પટેલે ખેડૂત ક્યારેય નાસીપાસ થતો નથી તેમ કહી ખેતી અને પશુપાલન એ ખૂમારીનો વ્યવસાય છે તેમ જણાવ્યુ હતુ. સરદાર પટેલના આણંદના વિકાસમાં રહેલા યોગદાનની વાત કરી તેમણે વર્તમાન સમયમાં વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીને વધારવાના વિઝનને આપણે સૌ એક્સાથે મળીને ચરિતાર્થ કરીએ તેમ જણાવ્યુ હતું. વડાપ્રધાને કરેલા ખેતીવિકાસના શ્રેણીબદ્ધ કાર્યોને લીધે આજે જાડા ધાન્ય પાકોના ભાવ પણ બમણા થયા હોવાનું તેમણે જણાવ્યુ હતુ. 

પ્રારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. કલ્પેશભાઇ પટેલે આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ ૨૦૨૩ ની જાણકારી આપી મિલેટસમાં આવતા વિવિધ ધાન્ય પાકો વિશે, તેમના વાવેતર અને તેમનાથી થતા ફાયદાઓ વિશે, ન્યુટ્રીસીરીયલ્સ અને તેની ઉપયોગિતા વિશે વિગતવાર જાણકારી આપી હતી.

આ કૃષિ મેળાના કાર્યક્રમ દરમિયાન ખેતીવાડી તેમજ બાગાયત ખાતાના કુલ ૧૦ લાભાર્થીઓને ઉપસ્થિત મહાનૂભાવોના હસ્તે લેસર એન્ડ લેવલર,પાક સંગ્રહ સ્ટ્રકચર અને ટ્રેક્ટર માટેની સહાયરૂપે રૂપિયા દશ લાખથી વધુની રકમના હુકમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં પેટલાદ નગરપાલિકા પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ.સ્મિતાબેન પિલ્લાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતનભાઈ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને તાલીમ અનુક્રમે એસ.જી.ઘડિયા અને ઘનશ્યામભાઈ ભાલોડી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન પ્રદીપભાઈ પટેલ તેમજ અગ્રણી સર્વ જયંતસિંહ ચૌહાણ, હસમુખભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આણંદના ખેડુતભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *