


તા.૧૧.૦૩.૨૦૨૩ ના રોજ ગાંધીધામ તાલુકાનાં મીઠીરોહર ગામે જનહિતની ભાવના સદાયે જેમનું કર્તવ્ય છે તેવા ગાંધીધામ મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નાં વરદ્દ હસ્તે શસ્ત્રોક્ત વિધિ સાથે મીઠીરોહર-વરસામેડી નોન-પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડની અંદાજીત લંબાઈ ૬ કી.મી અને અંદાજીત રકમ રૂ.૨૭૬.૦૧ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ રોડની માંગણી ઘણાં સમયથી ગામનાં સરપંચશ્રીઓ તથા આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતી. આ બાબતે ધારાસભ્યશ્રી એ અંગત રસ લઈને આ રોડ વહેલી તકે મંજૂર થઈને તૈયાર થાય તે માટે ખાસ ધ્યાન આપ્યું હતું તથા વખતોવખત આ બાબતે સરકારશ્રી નાં સક્ષમ અધિકારીઓ સાથે આ બાબતે મંજુરી માટે મુલાકાત લેતા હતા.



આ રોડનાં ખાત મુહુર્ત વખતે ધારાસભ્યશ્રી એ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મંત્રીશ્રીનું આ કાર્યને અગ્રતાને ધોરણે મંજુરી આપવા બદલ આભાર માન્યો હતો અને સાથે સાથે ભાજપની સરકાર લોકોની સુખ સગવડો માટે સદાય કાર્યશીલ રહેશે એવી ખાતરી આપી હતી. આ પ્રસંગે હાજર રહેલા સરપંચશ્રી તથા અન્ય આગેવાનો એ આ રોડની કામગીરી પૂર્ણ થયેથી લોકોની સગવડોમાં વધારો થશે તથા ધારાસભ્યશ્રી એ આપેલ લોક સુત્ર “કામ કિયા હૈ કામ કરેંગે જન જનકા સન્માન કરેંગે” ને ખરા અર્થમાં સાર્થક કરેલ છે એમ જણાવીને તેઓએ તેમનાં પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્યશ્રી નો આભાર પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે હાજર રહેલ ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી બાબુભાઈ ગુજરીયા, જીલ્લા પંચાયત સિંચાઇ સમિતિનાં ચેરમેનશ્રી ધનજીભાઈ હુંબલ, ગળપાદર ગ્રામ પંચાયતનાં પૂર્વ સરપંચશ્રી શામજીભાઈ વીરડા, અંજાર તાલુકા ના પૂર્વ પ્રમુખશ્રી શંભુભાઈ માદેવભાઈ બાબરીયા, તેમજ જીલ્લા અને તાલુકા પંચાયત ના સદસ્યો તથા મોટી સંખ્યામાં પક્ષનાં કાર્યકરો, કર્મચારીગણ વગેરે હાજર રહ્યા હતા.