ગુજરાતમાં સહકારી ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવા અને પર્યાવરણપ્રિય ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સહકારી ડેરીઓ દ્વારા સરકારની સહાયથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટ સ્થાપવાનું એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

આ સંદર્ભે ગાંધીનગર ખાતે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ મહેસૂલ રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડા અને જાપાનના પ્રતિનિધિમંડળ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જાપાનના વિશિષ્ટ ડેલિગેશનમાં જાપાન સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના પ્રાદેશિક પ્રતિનિધિ શ્રી ટોયોકાઝુ નાગામુને, સુઝુકી મોટર કોર્પોરેશનના મેનેજિંગ ઓફિસર શ્રી કેનિચિરો ટોયોફુકુ, JICA ઇન્ડિયાના ચીફ રિપ્રેઝન્ટેટિવ શ્રી ટાકુરો તાકેઉચી તથા સીનિયર રિપ્રેઝન્ટેટિવ શ્રી સોટા કોઇડે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા તેમજ બાયોગેસની સાથે-સાથે ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધારવાના હેતુથી સુઝુકી અને JICAના પ્રતિનિધિઓ દ્વારા નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગેનો એક વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ પર પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
પ્રાપ્ત થયેલા પ્રસ્તાવ અંગે થયેલી ચર્ચાના આધારે આગામી સમયમાં ગુજરાત સરકાર, સુઝુકી અને JICA વચ્ચે વિધિવત રીતે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે, જે રાજ્યના હરિયાળા ભવિષ્ય માટે એક મોટું કદમ સાબિત થશે.
આ બેઠકમાં સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકી, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન તેમજ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી ભરત જોષી સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, બનાસ ડેરી તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો.