
“હૃદય ની વ્યાખ્યા આ જગ આખુ શોધી રહ્યું,સૌ પોતાની આગવી શૈલીમાં કંઈક દર્શાવી રહ્યું
મને મળ્યો સાથ આરબીએસકે ટીમ અને આરોગ્ય ટીમનો, જોયું મેં બાળ જે નિખાલસ સ્મિત વહાવી રહ્યું”

મારા ઘરે દીકરી નો સાચો જન્મ હવે થયો છે તેની કિલકારી થકી ઘરમાં સ્વર્ગ હોવાનો અનુભવ થયો છે. જ્યારે દીકરી અવતરી ત્યારે ત્રણ મહિના પછી ખબર પડી કે દીકરીને જન્મજાત બહેરા મૂંગા ની ખામી હતી. મારે બે દીકરીઓ છે જેથી હુ ખુબ ખુશ હતો પરંતુ દીકરી ની ખામી જોઇ ખુબ દુઃખ થયું હતું. સામાન્ય ખેત મજૂરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા અમે દીકરી ની સારવાર કરવા અસમર્થ હતા. આ સમયે ગુજરાત સરકાર અમારી વહારે આવી અને મારી દીકરી નું કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન શક્ય બન્યું છે. હવે મારી દીકરી સાંભળી અને બોલી શકશે.
આ શબ્દો છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામની દિકરી વિહાની ના પિતા રાજેન્દ્ર કુમાર ઠાકરડા લક્ષ્મીપુરા આંગણવાડીમાં સ્ક્રિનિંગ દરમિયાન આર.બી.એસ.કે ટીમે દિકરી વિહાની ની ખામી અંગે જાણકારી મળી હતી. ટીમે બાળકીના માતા પિતાને સબ સેન્ટર ખાતે તેમજ ઘરે જઈ આ ખામી વિશે અને ઓપરેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.

રાજેન્દ્રભાઇ જણાવે છે કે, અમને ઓપરેશન અંગે જણાવ્યું ત્યારે અમે ખુબ ડરતા હતા કે આટલી નાની બાળકી અને અમારી પાસે પૈસાની કોઇ વ્યવસ્થા નહોતી. આર.બી.એસ.કે. ટીમે અમને હૈયા ધારણ આપી અને બાળકીને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ ઓપરેશન મફત થશે તેવી જાણકારી આપી ત્યારે અમને આશા બંધાઈ કે મારી દીકરી પણ અન્ય બાળકોની જેમ સાંભળતી બોલતી થશે.
હિંમતનગર સિવિલમાં ઇ.એન.ટી વિભાગમાં રીફર કરવામાં આવ્યા પછી જિલ્લા પંચાયત સાબરકાંઠાની આર.બી.એસ.કે.ટીમ દ્રારા ગાંધીનગર સિવિલમાં બાળકીને લઈ જવામાં આવી જ્યાં દીકરીના તમામ મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. ગાંધીનગર સિવિલ માંથી બે મહિના પછી ઓપરેશન ની મંજૂરી મળતા બે મહિના પછી ડોક્ટર નીરજ સુરી દ્વારા આ દીકરીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
વિહાનીની માતા દિશાબેન જણાવે છે કે, આ ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાં અંદાજે સાત લાખ રૂપિયા કરતા વધારે માં થાય છે જે સરકારશ્રીના પ્રોગ્રામ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બિલકુલ મફત કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ પણ આર.બી.એસ.કે ટીમ દ્રારા ઘરે આવીને પરિવારના સભ્યની જેમ મારી દીકરી ની સંભાળ લેવાઇ હતી.
આજે પોતાની દીકરીને કિલકિલાટ કરતા જોઈને તેના માતા પિતા રાજેન્દ્રભાઈ તેમની પત્ની દિશાબેન અને દીકરીના દાદા દાદી ખુબ જ ખુશ છે. પોતાની લાગણી વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે સરકારશ્રીની સહાય ન મળી હોત તો તેમની દીકરી નું ઓપરેશન કરાવવું તેમના માટે અશક્ય હતું. આ સહાય થકી તેમની દિકરી ની સર્જરી થઈ શકે છે. જેના માટે સમગ્ર પરિવાર ગુજરાત સરકાર તેમજ આર.બી.એસ.કે ટીમનો ખુબ ખુબ આભાર માની રહ્યો છે
નજીકના ભવિષ્યમાં દીકરી ની સ્પીચ થેરાપી શરૂ થશે. જેથી દીકરી ઝડપથી બોલતા શીખી શકે. આ સ્પીચ થેરાપીસ્ટની વ્યવસ્થા પણ સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે