નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રૂ.૩૨ કરોડના હરિયા-ભગોદ અને રૂ.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત કાંપરી રેલવે ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું

વલસાડ તા. ૨૧ એપ્રિલ
નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ હરિયા ખાતે ડેડિકેટેડ ફ્રાઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈંડિયા(DFCCIL) દ્વારા રૂ. ૩૨ કરોડના ખર્ચે ૮૧૮ મીટરના હરિયા – ભગોદ (એલ.સી. નં-૯૨) રેલવે ઓવરબ્રીજ અને ચીખલા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૮૦ કરોડના ખર્ચે ૧૧૦૧ મીટરના નવા નિર્માણ કરાયેલા ને.હા.૪૮ કુંડી ફાટક – કાંપરી – વલસાડ (એલ.સી. નં -૧૦૧) રેલવે ઓવરબ્રીજનું સાંસદશ્રી ડૉ. કે.સી પટેલ અને ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું. હરિયા – ભગોદ ઓવરબ્રીજને કારણે આસપાસના ગામોને ટૂંકી કનેક્ટીવીટી મળશે. તેમજ વલસાડ શહેર સાથે સીધું જોડાણ કરતા કાંપરીના રેલવે ઓવરબ્રીજ દ્વારા ને.હા.નં – ૪૮ના કુંડી ફાટકના ટ્રાફિકને કનેક્શન મળશે. વલસાડના શહેરી, ગ્રામ્ય વિસ્તાર અને રેલવે ઓવરબ્રીજની આસપાસના ગામોને રેલવે ફાટક ઉપર સમય વેડફ્યા વિના ગામોમાં ઝડપી ઈન્ટર કનેક્ટીવીટી મળશે.કાંપરી ઓવરબ્રીજ દ્વારા આસપાસના મહત્તમ ગામોના નાગરિકોને ફાયદો થશે.


ઓવરબ્રીજના લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ઓવરબ્રીજ દ્વારા લોકોને ઝડપી કનેક્ટીવીટી મળશે અને રેલવે ફાટકની સમસ્યા રહેશે નહીં. ગુજરાતમાં વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૪ સુધીમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને ‘ગુજરાત મોડેલ’ તરીકે દેશના વિકાસ માટે ઉદાહરણ પુરૂં પાડ્યું છે. માત્ર ગુજરાત અને મુંબઈ જ ટ્રેડિંગ માટે બંદરો ધરાવે છે અને ઉત્તર ભારતના રાજ્યો સાથે ટ્રેડિંગ કરે છે તેના માટે આ ફ્રાઈટ કોરિડોર ઝડપી કનેક્ટીવીટી બનાવી મહત્વપૂર્ણ સાબિત થશે. હાલના તબક્કે પણ ગુજરાત વિકાસમાં અગ્રેસર રહ્યું છે અને ટ્રેડિંગ ક્ષેત્રે પણ નવા ઈતિહાસ સર્જશે. ગુજરાત ફાટક મુક્ત થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે આ સ્વપ્ન સેવવા બદલ વડાપ્રધાનશ્રીને આશીર્વાદ અને ધન્યવાદ આપવા જોઈએ. દરેક વિકાસના કામો લોકોના સંકલન અને સહયોગથી જ પુરા કરી શકાયા છે. આજે ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો છે ત્યારે વસ્તીવધારો સમસ્યા ઉત્પન્ન કરશે એવી ભીતિ ભારતને નથી કારણ કે દેશ પાસે સૌથી વધુ યુવાધન છે. તેથી દેશનો ભવિષ્યમાં જેટલો વિકાસ થવાનો છે એટલો કોઈ પણ દેશનો થવાનો નથી.
આ લોકાર્પણ કાર્યક્રમોમાં સાંસદ ડૉ.કે.સી.પટેલે રેલવે ઓવરબ્રીજને કારણે અનેક સમસ્યાના નિરાકરણ આવ્યા છે અને લોકોને ઘણી સુવિધા રહેશે એમ કહી શુભેચ્છા પાઠવી હતી તેમજ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ પૂર્વ – પશ્ચિમનાં ગામોને જોડવા સાથે આ બન્ને ઓવરબ્રીજો મેડિકલ ઈમરજન્સીમાં, સમયની બચત કરવામાં પણ ખુબ જ ઉપયોગી થશે એમ કહ્યું હતું તેમજ આ કામોમાં સહયોગ આપવા બદલ ગામલોકોનો આભાર માની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે જિલ્લા સંગઠન પ્રમુખશ્રી હેમંત કંસારા, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કમલેશભાઈ ઠાકોર, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા, વલસાડ રૂરલ મામલતદાર તેજલ પટેલ, માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર એન.એન. પટેલ, પશ્ચિમ રેલવેના એરિયા મેનેજર અનુ ત્યાગી, DFCCILના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર મનોજ દાસ, આસપાસના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *