રિપોર્ટ, મયુર પટેલ
મહુવા તાલુકાના તાલુકા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.કે. વસાવાની ઉપસ્થિતિમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટે શરૂ કરાયેલા ‘સ્વાગત કાર્યક્રમ’ને ૨૦ વર્ષ પુરા થયા છે ત્યારે જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ હેઠળ સ્વાગત સપ્તાહની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત મહુવા તાલુકાના તાલુકા સેવા સદન ખાતે સુરત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવાની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ્ય કક્ષાની ૧૦૩ અરજીઓ સાથે તાલુકા કક્ષાની ૨૨ મળી કુલ ૧૨૫ અરજીઓ નોંધાઈ હતી. જેમાં રાશન કાર્ડ દાવા અરજીઓ, જાતિના દાખલા બાબતની, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય, વિધવા સહાય, રોડ રસ્તાના તેમજ પંચાયતના આવાસના પ્રશ્નોને લગતી અરજીઓનો ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ મળેલી ૨૨ અરજીઓ પૈકી ૧૮ મામલતદારની કચેરી, ૨ તાલુકા પં.(૧ પેન્ડિંગ અરજી સાથે), ૧ આરોગ્ય વિભાગની અને ૧ વીજ પુરવઠા વિભાગની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડી.ડી.ઓશ્રી બી.કે.વસાવાએ વિવિધ વિભાગના અધિકારીઓને પ્રજાની જરૂરિયાતો સમજી તેનું સમયસર નિરાકરણ કરવા તેમજ સરકાર તરફથી અપાતી યોજનાકીય સહાયનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા આદર્શ માધ્યમ બનવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ગ્રામ્ય કક્ષાએ, તાલુકાકક્ષા તથા જિલ્લા કક્ષાએ આયોજીત સ્વાગત કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા ગ્રામજનોને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં સંકલિત બાળવિકાસ યોજનાઓ ઘટક ૨ અધિકારી કવિતાબેન, તાલુકા પ્રા.શિક્ષણ અધિકારીશ્રી કે.કે.ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીમતી આશાબેન ચૌધરી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી મનોજભાઈ ચૌધરી, પંચાયત, સિંચાઈ અને નેહર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અધિકારીઓ તેમજ અરજદારો હાજર રહ્યા હતા.