અરવલ્લી જિલ્લામાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો યેનકેન પ્રકારે વિદેશી દારૂની ખેપ મારવા પ્રયાસ કરી રહ્યા છે. અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને પેટ્રોલીંગ સઘન બનાવવા સુચના આપ્યા બાદ અરવલ્લી જીલ્લાના પોલીસ તંત્રએ પણ વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે કમર કસી છે.મોડાસા રૂરલ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ એન પટેલ અને સ્ટાફના માણસોએ શામળાજી હિંમતનગર હાઈવે પર ગઢડા ગામની સીમમાં એક નંબર વગરની બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની ૪૦૨ બોટલ સાથે બે પરપ્રાંતિય ખેપિયાને દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, આજરોજ મોડાસા રૂરલ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ એન પટેલ અને સ્ટાફના માણસો શામળાજી હિંમતનગર હાઈવે પર વાહન ચેકીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, એક નંબર વગરની બ્રેઝા કારમાં બે ખેપિયાઓ વિદેશી દારૂ ભરી રાજેન્દ્રનગર ચોકડી થઈ અમદાવાદ તરફ જનારા છે. જે બાતમી આધારે આધારે પોલીસ ગઢડા ગામની સીમમાં શામળાજી હિંમતનગર હાઈવે પર નાકાબંધીમાં હતા તે દરમિયાન નંબર વગરની બ્રેઝા કાર આવી પહોંચતાં કોર્ડન કરી ગાડી ચાલક અને સાથીદાર બંનેને પકડી લઈ ગાડી ચેક કરતાં ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ ૪૦૨. કિંમત રૂપિયા ૨,૦૧,૦૦૦/-તથા મોબાઇલ, બ્રેઝા કાર મળી કુલ રૂપિયા ૭,૦૭,૫૦૦/-ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતિય ખેપિયા પ્રકાશ કરણસિગ જાટ અને સંદીપ સતબીર જોગી બંને રહે. હરિયાણા રાજ્યની ધરપકડ કરી પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ મોડાસા રૂરલ પોલીસે હાથ ધરી છે. મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

