સુમુલ ડેરીએ દક્ષિણ ગુજરાતમાં શુદ્ધ દૂધની જરૂરિયાત પૂર્ણ કરવામાં અગ્રિમ સ્થાન મેળવ્યું છે

રિપોર્ટ ,મયુર પટેલ

APMC કૃષિ બજાર ખાતે સુમુલ પાર્લર તથા માસ્ટર શેફ રેસ્ટોરન્ટનું ઉદ્દઘાટન

ઉકાઈની સુદ્રઢ સિંચાઈ સુવિધાથી ઓલપાડ તાલુકામાં ૧૦૦ કરોડથી વધુ ડાંગરનું ઉત્પાદન થયું: વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ

લાખો ગૃહિણીઓના વિશ્વાસને જાળવી રાખી સુમુલ ડેરી સૌના પ્રેમ અને સહકારનું પ્રતિક બની છે. સુમુલ ડેરી ચેરમેન માનસિંહભાઈ પટેલ

સુરત શહેરના સહારા દરવાજા પાસે, APMC કૃષિ બજાર ખાતે સુમુલ પાર્લર તથા માસ્ટર શેફ રેસ્ટોરન્ટનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખશ્રી રમણભાઈ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વન, પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉકાઈ ડેમનું મૂલ્યવાન પાણી અને ઉકાઈની સુદ્રઢ સિંચાઈ સુવિધાથી ઓલપાડ તાલુકામાં ૧૦૦ કરોડથી વધુ ડાંગરનું ઉત્પાદન થયું છે. ઓલપાડ તાલુકામાં ૧૪,૫૦૦ હેક્ટરમાં ડાંગરનુ વાવેતર થયું હતું. જેથી આ તાલુકાના ખેડૂતો સમૃદ્ધિ તરફ અગ્રેસર થયા છે. સુમુલ ડેરીએ દક્ષિણ ગુજરાતમાં શુદ્ધ દૂધની જરૂરિયાત પૂર્ણ કરવામાં અગ્રિમ સ્થાન મેળવ્યું છે એમ જણાવી જિલ્લા પંચાયત દ્વારા પશુ ખરીદી પર આપવામાં આવતી સહાય અને સબસિડીનો લાભ મેળવવા અનુરોધ કર્યો હતો. સુમુલ ડેરી દૂધ વિતરણ ક્ષેત્રે અને ગ્રામજનો-પશુપાલકો પશુપાલન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી ગણાતી અને રૂ.૫૩૦૦ કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવતી સુમુલ ડેરીમાં દરરોજ આશરે ૧૫ થી ૧૬ કરોડ લીટર દૂધ એકઠું કરવામાં આવે છે, તેને પ્રોસેસિંગ કરી સુરત શહેર-જિલ્લાના નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. આ દૂધના વિતરણની સુદ્રઢ વ્યવસ્થા સુમુલે ગોઠવી છે.
સુમુલમાં ભેળસેળને અવકાશ નથી એમ જણાવતા શ્રી માનસિંહભાઈએ ઉમેર્યું કે, પશુપાલકો દૂધમાં ભેળસેળ કરવી એને મહાપાપ સમજે છે. કોઈ અન્ય તત્વો દૂધ, પનીરમાં ભેળસેળ કરે તો તેને ટ્રેક કરી નેટવર્કમાંથી દૂર કરવામાં આવે છે, એટલે જ લાખો ગૃહિણીઓના વિશ્વાસને જાળવી રાખી સુમુલ ડેરી સૌના પ્રેમ અને સહકારનું પ્રતિક બની છે.
ધારાસભ્ય અને સુરત એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી સંદિપભાઈ દેસાઈએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે પશુપાલકો દૂધ ઉત્પાદકો અને ડેરી ઊદ્યોગના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ગ્રામીણ સહકારી દૂધમંડળીઓ મહિલાઓ અને ગ્રામીણો માટે જીવાદોરી બની છે, ત્યારે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોના જીવનધોરણને ઉન્નત કરવામાં સુમુલે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ, સુમુલ ડેરીના વાઈસ ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, સહકારી અગ્રણીશ્રી નરેશભાઈ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, સહકારી અગ્રણીઓ, સુમુલના સભાસદો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

સુમુલ પાર્લર અને સુમુલ માસ્ટર શેફ રેસ્ટોરન્ટની વિશેષતા

સુરતના રિંગરોડ સ્થિત APMC કૃષિ બજારમાં સુમુલ પાર્લરમાં સુમુલ ડેરીની દરેક પ્રોડક્ટસ જેવી કે ઘી, પનીર, દહીં, મીઠાઈ, શ્રીખંડ, બેકરી પ્રોડક્ટસ તેમજ અમુલ આઈસ્ક્રીમ અને અમુલ ડેરી પ્રોડક્ટ્સ મળશે. જ્યારે સુમુલ માસ્ટર શેફ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન, પાંઉભાજી મળશે. ગ્રાહકો માટે પાર્સલની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *