ગિરિમથક સાપુતારાના સહેલાણીઓને મળશે ‘સરસ’ મેળાનો લાભ

તા. ૮ મી ઓગસ્ટ સુધી ચાલનારા ‘સરસ’ મેળામાં ૩૧ જિલ્લાના ૪૮ સ્ટોલ્સ ઉપર પર્યટકોને ખરીદીની તક મળશે :

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા: તા: ૩૧: ‘રાષ્ટ્રીય આજીવિકા મિશન’ અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગ્રામીણ મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણની બજાર વ્યવસ્થા પુરી પાડતા પ્રાદેશિક ‘સરસ’ મેળાનું, ગિરિમથક સાપુતારા ખાતે ડાંગના પ્રભારી મંત્રી- વ-ગ્રામ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

સાપુતારાના પર્યટકોને ‘સરસ’ મેળામાંથી ખરીદીની વિપુલ તકો ઉપલબ્ધ થાય તે હેતુથી આયોજિત આ ‘સરસ’ મેળાના ઉદ્ઘાટન વેળા, રાજ્યના પર્યટક મંત્રી શ્રી મુળુભાઇ બેરા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ સહિત ભાજપા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો, જન પ્રતિનિધિઓ વિગેરે પણ જોડાયા હતા.

મહિલા સશક્તિકરણના ઉદ્દેશ સાથે આયોજિત સાપુતારાના ‘સરસ’ મેળામાં રાજ્યભરના ૩૧ જિલ્લાઓના ૪૮ જેટલા સ્ટોલ્સ ઉપર સહેલાણીઓને ખરીદીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આગામી તા. ૮ મી ઓગસ્ટ સુધી હોટલ શિલ્પીની સામેના મેદાનમાં આયોજિત આ ‘સરસ’ મેળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ્સ સહિત લાઈવ ફૂડ સ્ટોલ એન્ડ ફન પણ ઉપલબ્ધ છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય-ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત રાજયના ઉપક્રમે, તથા ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની લી. દ્વારા આયોજિત આ ‘સરસ’ મેળો સવારના ૯ થી સાંજના ૯ વાગ્યા સુધી પર્યટકો માટે ખુલ્લો રહેશે.

‘સરસ’ મેળાના ઉદ્ઘાટનમાં પધારેલા પર્યટન મંત્રી શ્રી મુળુભાઇ બેરા તથા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રાજ્ય અને કેન્દ્રની ડબલ એન્જિન સરકારના મહિલાઓના સ્વ સહાય જૂથોનું જોડાણ, બેન્ક લીંકેજ, સૂક્ષ્મ ધિરાણ, તાલીમ, અને આજીવિકા સાથે જોડાણ જેવી બાબતોથી સૌને માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે દીનદયાળ ઉપાધ્યાય-ગ્રામીણ કૌશલ્ય યોજના, દીનદયાળ ઉપાધ્યાય-ગ્રામીણ કૌશલ્ય યોજના, નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેકટ, રૂરલ સેલ્ફ એપ્લોયમેંટ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ, અને સ્ટાર્ટ અપ વિલેજ આંત્રપ્રિન્યોરશીપ પ્રોગ્રામના સુભગ સમન્વયથી ‘લોકલ ટુ ગ્લોબલ’ નો માર્ગ કંડારવાની દિશામાં મહિલાઓને અગ્રેસર કરાઇ રહી છે. સાપુતારાના ‘સરસ’ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાડ, ચીફ ઓફિસર શ્રી અર્જુનસિંહજી ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી સહિતના પ્રશાસનિક અધિકારીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM