
પડધરી તાલુકાના જોધપર ગામની ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા ખાતે “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર જોધપર “છલ્લા” ગામના ત્રણ વીર શહીદો સ્વ.વિક્રમસિંહ મહોબ્બતસિંહ જાડેજા, સ્વ.જ્યેન્દ્રસિંહ મહોબ્બતસિંહ જાડેજા, સ્વ.છત્રસિંહજી જુવાનસિંહ જાડેજાને આગેવાનો દ્વારા નમન સાથે અંજલિ અર્પણ કરીને તેઓની યાદમાં બનાવેલી ‘‘શિલાફલકમ’’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સહીદોના પરિવાજનો અને ગામના૧૮ નિવૃત પોલીસ -આર્મીમેનો તથા સ્વર્ગીય પોલીસ- આર્મીમેનોના પરિવારજનોનું સન્માન કરાયું હતું
આ તકે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને વંદન કરીને કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશ અને રાજ્યમાં યોજાઈ રહેલા ‘‘મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો દ્વારા શહીદ વીરોની સ્મૃતિને કાયમી જીવંત રાખવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અગેવાનો અને ગ્રામજનોએ માટીના દિવા પ્રગટાવી પંચપ્રણ પ્રતિજ્ઞા લીઘી હતી.
‘વસુધા વંદન’’ કાર્યક્રમ હેઠળ અમૃત વાટિકામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમૃતકળશમાં ગામની માટીને એકત્ર કરી દીપ પ્રજવલિત કર્યા બાદ ‘‘પંચપ્રણ પ્રતિજ્ઞા’’ લેવામાં આવી હતી. નાગરીકોએ પ્રજવલ્લિત દીપ સાથે સેલ્ફી લઈ દેશના વીર સપૂતોને યાદ કર્યા હતા.
આ કાર્યકમનો પ્રારંભ દિપપ્રાગટ્ય દ્વારા કરાયો હતો. અગ્રણીશ્રી કૃષ્ણસિંહજી જાડેજાના પ્રાસંગિક ઉદબોધન બાદ શાળાની બાળાઓના દેશભક્તિના ગીતો, અભિનય ગીત અને તલવાર રાસ રજૂ થયા હતા. ગામના લોકો માટે આ અવસરે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ગામના તલાટી મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જોધપરમાં પેવર બ્લોકના કામ માટે રૂ. ૨ લાખ ફાળવ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી, શ્રી હકુભા જાડેજા, અગ્રણીશ્રી સુમાબેન લુણાગરિયા, શ્રી જાસ્મીનભાઈ પીપળીયા, રોહિતભાઈ ચાવડા, સી.એચ.ઓ. હિંમત માલિવાડ, બી.આર.સી. પૂજાબેન પેયચા, આચાર્યશ્રી દામોદરા કીર્તિબેન, શિક્ષકો, આંગણવાડીના બાળકો અને બહેનો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.