



તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે જિલ્લામાંથી ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક ધોરણે દુર કરવા સંબંધિત વિભાગોને સુચના આપી
તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.વિપિન ગર્ગે તાપી જિલ્લામાંથી પ્રસિધ્ધ થતાં વર્તમાન પત્રો નિયમાનુસાર પ્રસિધ્ધ થાય છે કે નહીં તેમજ જરુર જણાય તેવા કિસ્સાઓમાં સખત અને યોગ્ય કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને તાકીદ કરી
તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિ.એન.શાહ, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
તાપી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે જિલ્લામાંથી ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક ધોરણે દુર કરવા સંબંધિત વિભાગોને સુચના આપી હતી. આ સાથે કચેરીમાં આવતા કાગળો સુચારુ રીતે નોંધણી થાય અને તેનો સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ આવે તે મુજબ પગલા લેવા જણાવ્યું હતું. ઉપરાંત સરકારી નાણાની સઘન વસુલાત કરવા વિવિધ વિભાગોને સુચના આપી હતી.
ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા દ્વારા વાલોડ તાલુકામાં ઠેરઠેર ગેરકાયદેસર બાંધકામોને દુર કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે કલેકટરશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને કલેકટરે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. વધુમાં જિલ્લા પોલીસવડાને પણ આવા લોકો સામે વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસવડાએ આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવા કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
સંકલન સમિતિની આ બેઠકમાં પદાધિકારીઓ તરફથી મળેલ પ્રશ્નો,નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,પડતર કાગળોનો નિકાલ,સરકારી વસુલાત,ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,આવાસના હપ્તાની ચૂકવણી જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં કલેકટરશ્રી દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, કોઈ વિભાગનો પ્રશ્ન છે કે કેમ ? તાપી જિલ્લા સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભાોરે જણાવ્યુ હતુ કે, પ્રિન્ટ એન્ડ ઈલેકટ્રોનિક મીડિયાના મુદ્દે તાપી જિલ્લામાં અમુક દૈનિક, સાપ્તાહિક સહિતના અખબારો, પાક્ષિક અને માસિક સ્વરુપે પ્રસિધ્ધ થતાં હોય તેવા પ્રચાર-પ્રસારના માધ્યમો પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને મીનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગ તેમજ ગુજરાત રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગના નિયમોનું પાલન કરતા હોય તેમ જણાતું નથી. અમુક પ્રિન્ટ મીડિયા માત્ર PDF સ્વરુપે અખબાર પ્રસિધ્ધ કરીને RNIના નિયમોનું ઉલ્લંઘન કરે છે જે કાયદા મુજબ યોગ્ય નથી. અમુક લોકો પત્રકાર હોવા તરીકેના ખોટા પુરાવા દર્શાવી કે રજૂ કરી વિવિધ કચેરીમાં રુઆબ જમાવે છે. હાલમાં જ ઉપરોક્ત નિયમોને અનુસરતા ન હતા તેવા પત્રકારોને તાપી માહિતી ખાતાના વ્હોટ્સ એપ ગૃપમાંથી રિમુવ કરવામાં આવ્યા છે. વધુમાં સંકલનના તમામ વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને વિનંતી કરી હતી કે, દરેક કચેરીના અધિકારીઓના સાથ અને સહકાર થકી ખોટી માંગણી કરવાના કિસ્સામાં પુરાવા પોલીસ કે માહિતી કચેરીને આપવામાં આવે તો એવા ખોટા પત્રકારો કે જેઓ પત્રકારત્વને લાંછન લગાડે છે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય. કેટલાક યુ ટ્યુબ ન્યુઝ ચેનલ, વેબ ન્યુઝ ચેનલ તથા સોશ્યલ મીડિયા ઉપર ન્યુઝ ચલાવતા અમુક વ્યક્તિઓ ખોટા પ્રેસ આઈ કાર્ડ ઈસ્યુ કરીને પત્રકાર તરીકે રોફ જમાવે છે. તાપી જિલ્લા સહાયક માહિતી નિયામકની આ વિનંતીને સંકલનના તમામ અધિકારીશ્રીઓએ તાળીઓ સાથે વધાવી લીધી હતી.
તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો.વિપિન ગર્ગે ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈ વ્યારા તેમજ નિઝર પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને તાકીદ કરી હતી કે, તાપી જિલ્લામાંથી પ્રસિધ્ધ થતાં વર્તમાન પત્રો નિયમાનુસાર પ્રસિધ્ધ થાય છે કે નહીં તેમજ જરુર જણાય તેવા કિસ્સાઓમાં સખત અને યોગ્ય કાર્યવાહી કરવી.
જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલે જણાવ્યુ હતુ કે, અયોગ્ય વર્તન અને ગેરકાયદેસર વર્તણુક કરતા હોય તેવા પત્રકારો સામે ચોક્કસ પુરાવા હોય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની સંકલનના તમામ અધિકારીઓને તેમણે ખાતરી આપી હતી.
અધિક નિવાસી કલેકટરશ્રી આર.જે.વલવીએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
સંકલન સમિતિની આ બેઠકમાં ન.પા.પ્રમુખશ્રી સેજલ રાણા, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર, વ્યારા પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ કાર્યપાલક ઈજનેરશ્રી મનીષ પટેલ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,