
રિપોર્ટ : બીના પટેલ
વહેરાખાડી ગામની અસહ્ય પ્રસવ પીડાથી પીડાતી પ્રસુતા માટે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની ટીમ ખડી કરી
સમયસર હોસ્પિટલે પહોંચેલી પ્રસુતાનું ડોકટરોએ તાત્કાલિક ઓપરેશન કરી માતા અને બાળકનો જીવ બચાવ્યો
મારી પત્નીના સફળતાપૂર્વક ઓપરેશનના કારણે મને વ્હાલી દિકરીની ભેટ મળતા જાણે સાક્ષાત પરમાત્મા અમારી મદદે આવ્યા હોય તેવુ લાગ્યું હતું
- કલ્પેશભાઈ પટેલ લોકસેવાના ઉદેશ સાથે સત્તાનું સુકાન સંભાળતા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની બનેલી સરકારનું પ્રથમ કાર્ય શું હોઈ શકે ? આવો પ્રશ્ન કોઈ આપણને પૂછે તો સહજ રીતે આપણો ઉત્તર હોય કે, લોકસેવાને વરેલા જન પ્રતિનિધિઓની બનેલી સરકારનું પ્રથમ કાર્ય અને કર્તવ્ય માત્રને માત્ર લોકસેવા – લોકકલ્યાણનું જ હોય.
આ વાત આજે એટલા માટે યાદ આવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું ત્યારથી લઈને તેઓ આજે જયારે દેશના વડાપ્રધાન પદે બિરાજમાન છે ત્યાં સુધી એટલે કે બે દાયકા કરતાં પણ વધુ સમયથી તેઓ માત્રને માત્ર લોકોની સેવાનો ભેખ ધરીને કાર્ય કરી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીની આ કાર્યશૈલી તેમની સાથે કામ કરી રહેલા જન પ્રતિનિધિઓમાં પણ જોવા મળે છે. આવા જ લોકસેવાને વરેલા જન પ્રતિનિધિ છે. આણંદના સાંસદશ્રી મિતેષભાઇ પટેલ.
નાનામાં નાનો માણસ પણ મદદ માટે જેમનો દરવાજો ખટખટાવી શકે તેવી સરળ પ્રતિભા અને સામાન્ય માણસની મુશ્કેલીના સમયે હંમેશા તેમની પડખે ઉભા રહેતા પ્રધાનમંત્રીશ્રીની ટીમના સંવેદનશીલ જનપ્રતિનિધિ એવા મિતેષભાઈએ તાજેતરમાં આણંદના વહેરાખાડી ગામની પ્રસુતાનો જીવ બચે તે માટે કરેલા કાર્યના કારણે લોકહ્રદયમાં તેમણે મુઠી ઉંચેરું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
વાત જાણે એમ બની હતી કે, આણંદના નાના એવા વહેરાખાડી ગામની પ્રસૂતા મહિલાની મેડિકલ ઈમરજન્સી સમયે માનસિક તાણ અનુભવતા તેના પતિ કલ્પેશભાઈ પટેલે સીધો આણંદના સાંસદ મિતેષભાઈ પટેલને ફોન કરી તેમની પરિસ્થિતિ વર્ણવીને તાત્કાલિક મદદ નહી મળે તો તેમના પત્ની અને બાળકના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.
કલ્પેશભાઈએ ફોન કર્યો તે સમયે સાંસદશ્રી વડોદરા એરપોર્ટથી દિલ્હી રવાના થતા હતા. સાંસદશ્રીએ એરપોર્ટ પરથી જ તાત્કાલિક આણંદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો ટેલિફોનિક સંપર્ક કરી પીડિત દર્દી માટેની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવા જણાવ્યું હતું, જેના કારણે પ્રસુતા મહિલા અને બાળકનો જીવ બચી ગયો હતો.
પરિવાર ઉપર આવેલી આ મુશ્કેલ ઘડીમાં મદદરૂપ બનેલા સાંસદશ્રીની સેવા ભાવનાને બિરદાવતા કલ્પેશભાઈ ગદગદીત સ્વરે કહે છે કે, મારી પત્નિ વૈશાલીને પ્રસવ પીડા થતા તેને સારસા આરોગ્ય કેન્દ્ર ખાતે સવારના સમયે દાખલ કરવામાં આવી હતી. પરંતુ સાંજ સુધી નોર્મલ ડિલિવરી માટે ડોક્ટર્સના પ્રયત્ન છતાં કોઈ પરિણામ મળતું નહોતું અને પત્નિ અસહ્ય પ્રસવ પીડાથી કણસતી હતી. પરંતુ રવિવાર હોવાથી અનેસ્થેસિયોલોજિસ્ટ ડોકટર ન હોવાના કારણે એક દિવસ વધુ રાહ જોઇને બીજા દિવસે ઓપરેશન કરાવવુ પડે તેવી સ્થિતિ હતી. તેવા સમયે અતિશય પ્રસવ પીડાથી પીડાતી પત્નિ અને આવનાર બાળક બન્નેના જીવ જોખમમાં હોય તેમ મને લાગતું હતું. તેમાં પણ શરૂઆતથી સારસા ખાતે જ દવા સારવાર ચાલતી હતી અને રવિવાર હોવાથી ક્યાં જવું તે પણ સુજતું નહોતું.