
ગણેશ ઉત્સવના પાવન દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડી ખાતે ગણેશદર્શનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન સાધકો આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. મહુડી સ્થિત હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના ગૃહસ્થાન નિજધામમાં સ્થાપિત કરેલ શ્રીગણેશજીના દર્શનનો લહાવો સાધકોએ લીધો હતો. વહેલી સવારથી જ સાધકોનું આગમન થવા લાગ્યું હતું. અંદાજિત ૬૫૦૦ થી વધુ સાધકોની હાજરીમાં દર્શન સાથે ભજનમાં સાધકો ભક્તિભાવમાં તરબોળ થયા હતા.
સમર્પણ ધ્યાનયોગ સંસ્કારનો માર્ગ દેશવિદેશના લાખો સાધકોએ અપનાવ્યો છે અને નિયમિત ધ્યાન દ્વારા આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છે. પૂજ્ય સ્વામીજી એમનાં અનેક પ્રવચનો તથા ગ્રંથોમાં અધ્યાત્મની ગૂઢ વાતોને સરળ રીતે અને આજના પરિપેક્ષ્યમાં સમજાવે છે. જેમાં શ્રી ગણેશજી સંબંધિત પણ અનેક બાબતો એમણે ઉજાગર કરી છે. શ્રી ગણેશજીની સંરચના એક સિદ્ધયંત્ર સમાન, શ્રી ગણેશજી પવિત્રતાના પ્રતીક, પવિત્રતા અધ્યાત્મનો પ્રાણ, આધ્યાત્મિક પ્રગતિ માટે ચિત્તશુદ્ધિ અનિવાર્ય, પૂજા એક સશક્ત માધ્યમ, શ્રી ગણેશજીની સંરચના શું શિખવાડે છે વગેરે જેવા અનેક વિષયો પર પૂજ્ય સ્વામીજીએ આપેલ માર્ગદર્શન પર આધારિત ‘ગણેશતત્ત્વ-ગુરુતત્ત્વ’ વિષય પર પ્રદર્શની પણ મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પૂજ્ય સ્વામીજીએ એમના ગુરુના સાંનિધ્યમાં સિદ્ધ થયેલ અથર્વશીર્ષની અનુભૂતિ પણ સાધકોને વહેંચી છે.
દર વર્ષે પૂજ્ય સ્વામીજીના ગૃહસ્થાનમાં ગણપતિ સ્થાપન કરવામાં આવે છે, જેમાં દરેક સાધકોને દર્શન માટે આમંત્રણ આપવામાં આવે છે. આ એ સોનેરી અવસર હોય છે જેમાં સાધકોને પૂજ્ય સ્વામીજીના ગૃહમાં પ્રવેશ કરવા સાથે ગુરુશક્તિઓની ઊર્જામાં ભીંજાવાનો, શુદ્ધ થવાનો અવસર મળે છે. આ વર્ષે પણ સાધકોએ આ અવસરનો લાભ લીધો હતો. ગુરુપરિવારના હસ્તે પ્રસાદ ગ્રહણ કરી, ભજન અને ભોજનપ્રસાદનો લાભ લીધો હતો. શ્રી ગુરુશક્તિધામમાં ધ્યાન કરી સાધકોએ ધન્યતા અનુભવી હતી. તો સાથે સાથે સમગ્ર કાર્યક્રમનું યૂટ્યૂબની ગુરુતત્ત્વ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેનો દેશ-વિદેશમાં વસતા સાધકો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો
સમગ્ર કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા ગુજરાત સમર્પણ આશ્રમ – ગુરુતત્ત્વ વૈશ્વિક મંચના સ્વયંસેવકોને દ્વારા ખૂબ સરસ રીતે આયોજનબદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય નોંધનીય બાબત એ છે કે નિયમિત ધ્યાનસાધના કરનાર વિવિધ પેથીના ડોક્ટર્સની ટીમ દ્વારા ગણેશદર્શનના દિવસે આવનારા ભાવિકજનો માટે નિઃશુલ્ક હોલીસ્ટિક કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો ઘણા લોકોએ લાભ લીધો હતો.