ખેડા જિલ્લા માં દંડકશ્રી પંકજભાઇ દેસાઇના હસ્તેક છત્રી/શેડ કવરનું વિતરણ કરવામાં આવ્યુ

ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને  વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવાની યોજના

સરકાર નાના નાના વેપારીઓની અને ફેરીયાઓની સમસ્‍યાઓનું પણ સમાધાન કરવા તત્પર- દંડકશ્રી પંકજભાઇ દેસાઇ

ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજના અંતર્ગત ફળ, ફૂલ, શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્‍યે છત્રી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે તેના અનુસંધાને આજે ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડક અને નડિયાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી પંકજભાઇ દેસાઇના હસ્‍તે છત્રી/શેડ કવરનું વિતરણ નડિયાદ સંતરામ મંદિર પાસે આવેલ નાની શાકમાર્કેટ ખાતે કરવામાં આવ્‍યું હતું. તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, નાના વેચાણકારોને છત્રી વિતરણનું કામ ચાલુ કરેલ છે. તેઓશ્રીએ સૌ નાના વેપારીઓને જાહેર અપીલ કરતા જણાવ્‍યું હતું કે, તમામ લાભાર્થીઓએ નિયત સમય મર્યાદામાં નિયમોનુસાર વહેલી તકે અરજી કરી આ યોજનાનો લાભ લેવો જોઇએ. આ યોજનાના લાભાર્થીઓને હવે ત્રણેય ઋતુઓમાં આ છત્રી/શેડ કવરનો લાભ મળવાથી તેઓને મોટી રાહત થશે તેમ જણાવ્‍યું હતું. દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, સરકારએ ફળ અને શાકભાજીનું રોડ સાઇડ અને લારી દ્વારા વેચાણ કરતાં નાનાં વેચાણકારોની ચિંતા કરીને વર્ષ:૨૦૨૦-૨૧મા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે/શેડ કવર પૂરા પાડવાની યોજના “નવી બાબત” તરીકે અમલમાં મૂકી લોક કલ્યાણનો એક નવો અભિગમ શરૂ કર્યો છે. આ યોજના માટે સમગ્ર રાજ્યમાં વર્ષ: ૨૦૨૦-૨૧ માટેરૂ.૧૦૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ રાજ્યના ફળ-શાકભાજી-ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને લાભ આપવામાં આવશે. રેશનકાર્ડ ધારક કુટુંબ દીઠ એક વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે. દર બે વર્ષે એકવાર લાભ મળશે. ખેતીવાડિ અધિકારીશ્રી સોનારાએ જણાવ્‍યું હતું કે, આ યોજનાનો લાભ લેવા અરજદારે આઇ ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે માટે રેશન કાર્ડૅ અને આધાર કાર્ડ આધાર પુરાવા તરીકે રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઇ, અરજદારે સહી /અંગૂઠાનું નિશાન કરી, રેશન કાર્ડૅ અને આધાર કાર્ડની નકલ સામેલ કરી, અરજી સાથે પ્રિન્ટ થયેલ પ્રમાણપત્ર પર જે સ્થળે વેચાણ કરે છે તે હકીકતની ખરાઇ માટે જે તે સેજાના ગ્રામ સેવકની સહી –સિક્કો કરાવી, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૪-૫, ભોય તળીયે, ડી બ્લોક, સરદાર પટેલ ભવન, નડીયાદ ખાતે રજૂ કરવાની રહેશે. આ યોજના હેઠળ ખેડા જિલ્લાને ૧૮૦૦ નંગ છત્રીનો ભૌતિક લક્ષ્યાંક ફાળવેલ છે. જે અન્વયે આજ  સુધી ૧૮૧૯ અરજદારોએ ઓનલાઇન અરજી કરી છે. જે પૈકી ૧૧૦૪ અરજદારોએ આધાર પુરાવા સાથે કચેરીમાં અરજી કરેલ છે. જે પૈકી ૧૦૨૨ પાત્રતા ધરાવતી અરજીઓને પૂર્વમંજૂરી આપવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્‍લા ખેતીવાડિ શાખાના અધિકારીઓશ્રી ધવલભાઇ, શ્રી રવિભાઇ, ખેતીવાડિ શાખાના કર્મચારીઓ, લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *