કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે રૂપિયા 13 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરાયું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ માણસાના અગ્રણીઓ અને નગરજનોને વિજયા દશમીની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગર

  વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ સંકુલ રૂ. 13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ પોતાના માદરે વતન માણસા ખાતે નગરજનોને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમનું અભિનંદન પણ ઝીલ્યું હતું.
   માણસા ખાતે સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી, માણસાના સહયોગથી અને રાજ્યના રમતગમત વિભાગ દ્વારા અર્બન સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના હેઠળ સ્પોર્ટસની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા માટે રૂ. ૧૩૦૫ લાખના ખર્ચે આ અદ્યતન રમતગતમ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ સંકુલમાં  રમતગમતને લગતા ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઉપરાંત ૪૦૦ મી.  એથ્લેટિક ટ્રેક સાથે ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે ટેનિસ કોર્ટ, બે વોલીબોલ કોર્ટ, બે બાસ્કેટ બોલ કોર્ટ, બે કબડ્ડી ગ્રાઉન્ડ સાથે ખો-ખો ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

આ સ્પોર્ટ્સ સંકુલનો સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ અને આસપાસ યુવાનો પોતાની રૂચિ મુજબની રમતમાં સરળતાથી ભાગ લઇ શકશે. આ સંકુલમાં ઇન્ડોર રમતો ઉપરાંત અન્ય રમતોના મેદાન બનાવવા માટે કુલ- ૧૫,૨૨૬ ચો.મીટર જગ્યા છે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલનો કુલ બિલ્ટઅપ વિસ્તાર ૨૯૦૦ ચો.મીટર છે. તેની સાથે આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વિવિધ સુવિઘાઓ જેવી કે, ૪ બેડમિન્ટન કોર્ટ, ૮ ટેબલ ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ તથા વોલીબોલનાં કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, માણસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ, સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ શ્રી શેઠશ્રી ધીરેન્દ્ર શાહ અને મંત્રી શ્રી ડો. વી.એન.શાહ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી રજનીકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિત ચૌધરી, માણસાના સ્થાનિક અગ્રણીઓ, ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, કોલેજ પરિવાર, નેશનલ કક્ષાએ રમતગમતમાં મેડલ મેળવનાર ખેલાડીઓ, પદાધિકારીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *