બીના પટેલ આણંદ

મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓને સી.પી.આર. ટ્રેનિંગ આપીને સજ્જ કરાયા

ઝાઇડસ હોસ્પિટલ, આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની ઉપસ્થિતિમાં મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, નાની ઉંમરે હાર્ટએટેકના વધતા કેસોને ધ્યાને લઈ જિલ્લાના તમામ નાગરિકોએ સીપીઆરની ટ્રેનિંગ લેવી જોઇએ. કલેકટરશ્રીએ આ ટ્રેનિંગ અન્ય લોકોના જીવ બચાવવામાં અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

હોસ્પિટલના ઈમરજન્સી મેડિસીન નિષ્ણાંત ડૉ.મિહિર આચાર્ય અને ડૉ. અરવિંદ પરમારે બેઝિક ડોમેસ્ટિક એક્સિડેન્ટ્સ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને પ્રાથમિક સારવાર વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ડૉ. ખંજન શાહએ સી.પી.આર. થકી હાર્ટ એટેકના દર્દીને બચાવવા માટે કઈ રીતે છાતીના કયા ભાગમાં હાથની કઈ સ્થિતીમાં પુશઅપ કરવું અને કેટલું દબાણ આપવું તે અંગે પ્રેક્ટીકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવ્યું હતું.

નોંધનીય છે કે, સી.પી.આર. પદ્ધતિમાં કાર્ડિયાક અરેસ્ટ સમયે છાતી પર અમુક નિયત જગ્યાએ, નિયત સમયે દબાણ આપવાનું હોય છે જેનાથી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે.
આ ટ્રેનિંગમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી શિવાંગી શાહ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ તેમજ મામલતદારશ્રીઓ સહિત મહેસુલ વિભાગના અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.
