
ડી.એન. હાઈસ્કુલ ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ : બીના પટેલ

આણંદ, બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અમલી બનાવાઈ છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવેલા ૪ ભોજન વિતરણ કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકી અને સાંસદશ્રી મિતેષભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સરકાર નાનામાં નાના વ્યક્તિની પણ દરકાર કરીને તેમને મહત્તમ લાભ આપી રહી છે. શ્રમિકોના સ્વાસ્થ્યનો વિચાર કરીને તેમને પૂરતી કેલરી વાળો આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સરકારે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત કર્યા છે, જેમાં અત્યાર સુધી ૧૦ જિલ્લામાં ૧૧૮ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત હતા, તેમાં વધારો કરીને નવા ૧૫૫ કેન્દ્રો શરૂ કરવામાં આવતા હવે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં કુલ ૨૭૩ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત થશે. તેમણે આણંદ જિલ્લામાં શરૂ થનાર નવા ૪ ભોજન વિતરણ કેન્દ્રોના લોકાર્પણ થકી જિલ્લાના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક શ્રમિકોને પૌષ્ટિક આહાર મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આણંદ જિલ્લામાં શરૂ થનાર નવા ૪ ભોજન વિતરણ કેન્દ્રોના લોકાર્પણ થકી જિલ્લાના બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક શ્રમિકોને પૌષ્ટિક આહાર મળી રહેશે :સાંસદશ્રી મિતેષભાઇ પટેલ
શ્રી સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે, બાંધકામ શ્રમિકો માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જે અંતર્ગત ધનવંતરી રથ થકી શ્રમિકોના આરોગ્યની કાળજી રાખવામાં આવે છે. આ ઉપરાંત શ્રમિકોના બાળકોને શિક્ષણ સહાય, સ્ત્રીઓને પ્રસુતિ સહાય, દીકરીના જન્મ સમયે ભાગ્યલક્ષ્મી બોન્ડ તેમજ આકસ્મિક મૃત્યુ ના કિસ્સામાં પણ સહાય આપવામાં આવે છે.
આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિકાસની નવી કેડીઓ કંડારી છે. નાના અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
સાંસદશ્રીએ શ્રમિકોની હરહંમેશ ચિંતા કરતી સરકારે શ્રમિકો વહેલી સવારે ઘરેથી નીકળે તો તેમને સાથે ટિફિન લઈને જવું ન પડે તેમજ તેમના કામકાજના નજીકના સ્થળે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ‘શ્રમિક અન્નપૂર્ણા’ યોજના અમલમાં મૂકી છે તેમ જણાવી જિલ્લાના વધુમાં વધુ શ્રમિકોને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. તેમજ ગુજરાત બાંધકામ અન્ય શ્રમિક બોર્ડની કચેરીની વિવિધ યોજનાઓ જેવી કે પ્રસ્તુતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ શિક્ષણ સહાય તથા પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજનાના લાભાર્થીઓ અને ઈ-નિર્માણ કાર્ડની નવી નોંધણી કરાવેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક/ઈ-નિર્માણ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રમિકોને મહાનુભાવોના હસ્તે ટિફિન આપવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવોએ શ્રમિકો સાથે ભોજન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજથી શરૂ થયેલા ૧૫૫ નવા ભોજન વિતરણ કેન્દ્રો પૈકી આણંદ જિલ્લામાં ૪ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ભવનાથ મહાદેવ મંદિર પાસે, આણંદ શહેરની બોરસદ ચોકડી પાસેના ત્રી-પાંખીયા ઓવર બ્રીજ પાસે, વલ્લભવિદ્યાનગરના મોટાબજાર ખાતે ઇસ્કોન મંદિર સામે તેમજ બોરસદ એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક શરૂ કરવામાં આવેલ ભોજન વિતરણ કેન્દ્રોનો બહોળી સંખ્યામાં શ્રમિકો લાભ લઈ શકશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, નિવાસી અધિક કલેકટરશ્રી આર. એસ. દેસાઈ, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ સહિત સંબંધિત અધિકારી-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.