નવસારીના રામજી મંદિર ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સાત્વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો

કોઈપણ વ્યક્તિ ભોજન વિના ના રહે તે માટે સરકારની એક આગવી પહેલ “શ્રમિક અન્નપૂર્ણા યોજના” : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આજરોજ નવસારી શહેરના કડિયાનાકા ખાતેથી રૂા.૫ માં સાત્વિક ભોજન આપતી ‘‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’’ હેઠળ છ ભોજન કેન્દ્રોનો શુભારંભ થયો હતો. જે પૈકી શહેરના રામજી મંદિર ખાતેથી શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે જિલ્લા કક્ષાનો ભોજન વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મંત્રીશ્રીએ અને મહાનુભાવોએ આત્મીયતાના ભાવ સાથે પોતાના હસ્તે શ્રમિકોને ભોજન પીરસ્યું હતું.  

            આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં સર્વજનોનો ફાળો રહ્યો છે. ‘‘સર્વજન હિતાય સર્વજન સુખાય’’ના વિચારોને વરેલી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈની સરકારે બાંધકામક્ષેત્રના અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને રૂા.૫ માં ભરપેટ ભોજન આપવાના માનવીય હેતુથી આજે ગુજરાતમાં નવા ૧૫૫ ભોજન કેન્દ્રોનો શુભારંભ  કરાવ્યો છે. રોજનું લાવીને રોજ ખાનારા માનવીઓને ભરપેટ ભોજન પુરૂ પાડવાનું ભગીરથ કાર્ય આ સરકારે સતત કરીને ઈશ્વરીય, માનવતાવાદી કામ કરી રહ્યું છે.

 તેમણે વધુમાં કહ્યું કે, તડકા છાયડામાં તનતોડ કાળી મજુરી કરતા આ શ્રમયોગીઓની મહિલાઓને સવારે વહેલા ઉઠીને રસોઈની કડાકુટમાંથી મુકિત મળશે. વર્તમાન રાજય સરકારે શ્રમિકોને ભોજનની સાથે આરોગ્યની દરકાર રાખીને તેઓના કલ્યાણ માટે હરતા-ફરતા ધન્વંતરિ આરોગ્ય રથો પણ શરૂ કર્યા છે. જેમાં શ્રમયોગીઓ વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ મેળવી શકશે.

                નવસારીના ધારાસભ્યશ્રી રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે, માત્ર ૫ રૂ.માં પૌષ્ટિક ભોજન આપવું એ સાચા અર્થમાં માનવતાનું કાર્ય છે. શ્રમિકવર્ગના ઉત્થાન માટેની દિશામાં સરકારે માનવીય કદમ ઉઠાવ્યું છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ભોજનની ચિંતા વિના કામ પર જઈ શકશે, તેમજ શ્રમિકોનું જીવનધોરણ આરોગ્યમય બનશે, ઉપરાંત નાણા અને સમયની પણ બચત થશે એમ તેમણે ઉમેર્યું હતું.

                આજે સમગ્ર ગુજરાતમાં માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૧૫૫ ભોજન કેન્દ્રોનો શુભારંભનો કાર્યક્રમનું જીવંત પ્રસારણ  ઉપસ્થિત મહાનુભાવોએ  અને શ્રમિકોએ નિહાળ્યો હતો .   

આ પ્રસંગે મંત્રીશ્રી તથા અન્ય પદાધિકારીઓના હસ્તે બાંધકામ સાથે સંકળાયેલા લાભાર્થીઓને સહાયના ચેકો એનાયત થયા હતા. ઉપરાંત બાંધકામ શ્રમિકો માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજનાની વિસ્તૃત માહિતીની ફિલ્મ આ પ્રસંગે બતાવવામાં આવી હતી . જયારે આભારવિધિ નવસારી પ્રાંત અધિકારીશ્રીએ  કરી હતી.

            આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ ,   જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ , નવસારી અધિક કલેકટરશ્રી કેતન પી જોષી ,  નવસારી- વિજલપોર  નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ , નવસારી અને જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી , તેમજ મોટી સંખ્યામાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *