રિપોર્ટ, મયુર પટેલ

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીએ સુમુલ ડેરીના વાંસકુઈ ગીર પશુ સંવર્ધન કેન્દ્રની મુલાકત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત આ વાસકુઈ ગીર પશુ સંવર્ધન કેન્દ્રના ઉદ્દેશો, શુદ્ધ સંવર્ધન દ્વારા પેદા થયેલ ગીર વાછરડી-પાડી, સ્ટ્રેટેજીક કાફ રીઅરીંગ કાર્યક્રમ અંતર્ગત આદર્શ વાછરડી ઉછેર, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, વિવિધ ઘાસચારાની જાતોનું નિદર્શન વગેરેની માહિતી મેળવી હતી.
વિશેષમાં અમ્બ્રિયો ટ્રાન્સફર દ્વારા જન્મેલ ગીર વાછરડી અને તેના વૃદ્ધિદરથી પ્રભાવિત થઇ આ પ્રકારની વધુ વાછરડી પેદા કરી પશુપાલકોને વિતરણ કરવાનું સુચન કર્યું હતું. આ વાસકુઈ ગીર પશુ સંવર્ધન ખાતે ગીર ગાય ૧૯ માસની ઉમરે ગર્ભધારણ તથા ૨૮ માસની ઉંમરે વિયાણ થાય છે તે જાણી તેઓ પ્રભાવિત થયા હતા. સાથે દૈનિક ૨૧ લિટર (વેતરનું ૪૮૦૦ લિટર) જેટલું મહત્તમ દૂધ ઉત્પાદન કરતી ગીર ગાયની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત દૂધ મંડળીઓના પ્રતિનિધીઓને પશુ ચિકિત્સા, કાળજી અને બ્રિડ ઇમ્પ્રુવમેન્ટ થકી આવકમાં વૃદ્ધિ સહિત પશુપાલનના વિકાસ માટે પશુપાલકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાના લાભો લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સુમુલ ડેરીના પ્રમુખ શ્રી માનસિંહ પટેલ, ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ, તથા સુમુલના અન્ય ડીરેક્ટરશ્રીઓ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ,અન્ય સહકારી નેતાઓ, દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને કર્મચારી ગણ હાજર રહ્યો હતો.