
ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભંડારીયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઢોલ-નગારાંના નાદ સાથે બાલિકાઓએ પરંપરાગત રીતે સામૈયું કરીને મંત્રીશ્રીના આગમનને વધાવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી યોજનાઓ અંગે ગામલોકોને માહિતગાર કરાયા હતા. વધુમાં, જસદણ તાલુકાના રણજીતગઢ ગામે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ‘આપણો સંકલ્પ, વિકસિત ભારત’ના સૂત્ર સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા સરકારની વિવિધ ૧૭ જેટલી જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાજકોટ જિલ્લાના ગામેગામ રથો પરિભ્રમણ કરી રહ્યા છે. રથના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ, વિકસીત ભારતનો સંકલ્પ લેવડાવવા સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.