નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલની ઉપસ્થિતિમાં વેકસીન ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા કલેકટર શ્રીમતી આર્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, સરકારશ્રીની સૂચનાથી નવસારી જિલ્લામાં પાંચ સેન્ટર ઉપર કોવિડ વેકસિન ડ્રાય રન હાથ ધરાઇ રહી છે. આજરોજ પાંચ સેન્ટર પર આરોગ્ય કર્મચારીના ૨૫ હેલ્થ વર્કરોને વેકસિન અપાશે તેમજ આગામી સમયમાં વેકસિન આવ્યા બાદ લોકોને તબકકાવાર આપવામાં આવશે. નવસારી ખાતે સિવિલ હોસ્પિટલ, ખડસુપા પ્રાથમિક શાળા, વિજલપોર પ્રાથમિક શાળા, ચીખલીમાં સ્પંદન હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર પર વેકસિન ડ્રાયરન હાથ ધરવામાં આવ્યું હતું. વેકસીનેશનની કામગીરી માટે સુચારૂ વ્યવસ્થા અને રસીકરણની તૈયારી નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયતના ડો .સુજીત પરમાર, સિવિલ હોસ્પિટલ નવસારીના ડો.અશ્વિન પરમાર, WHO સુરતના ડો .ચિરાગ વાલિયા સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં



