સોનગઢના વાગદા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ ઢોલનગરા અને તિલક કુમકુમથી આવકરી લીધી

તાપી જિલ્લાના પ્રત્યેક નાગરિકને સમૃદ્ધ, મજબુત અને આત્મનિર્ભર બનાવી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા :-મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ
બાહુલ આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાનો એકપણ નાગરિક કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેયમંત્ર સાથે તાપી જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’સોનગઢ તાલુકાના વાગદા ગામે આવી પહોંચતા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સંકલ્પ યાત્રા દરમિયાન કુલ ૨૨ જેટલી યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની,રથ થકી પુરી પાડવામાં આવી રહી છે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય-રાષ્ટ્ર સહિત તાપી જિલ્લાના પ્રત્યેક માનવીને સમૃદ્ધ, મજબુત અને આત્મનિર્ભર બનાવી નવા રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અદભૂત હાંકલ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓના લાભો થકી ગ્રામજનોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. આજે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લોકોના પાકા ઘરના સપનાઓ સાકાર થયા છે. આરોગ્યલક્ષી ગંભીર બિમારીઓમાં આદિવાસી લોકોને શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર આપતી આશિર્વાદરૂપ સાબિત થતી આયુષ્માન કાર્ડ યોજના લોકોના જીવનમાં ખુશહાલી પ્રસરાવી રહી છે. હજી પણ આ યોજના અંતર્ગત ગામના પ્રત્યેક નાગરિકને આવરી લઈને ૧૦૦ ટકા સેચ્યુરેશનની કામગીરી પૂર્ણ કરવા માટે સ્થાનિક વહિવટીતંત્ર અને આગેવાનોને મંત્રીશ્રીએ હાંકલ કરી હતી.
વધુમાં રસાયણિક ખેતીના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા ઘટી છે, ત્યારે જળ, જમીન, જંગલ સહિત પર્યાવરણના જતન માટે પ્રાકૃતિક અને પરંપરાગત ખેતીને અપનાવવા પણ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત સરકારશ્રીએ “નમો ડ્રોન દીદી” યોજના થકી સખી મંડળની બહેનોનું ભાવિ ઉજ્જવળ બને તેવા હેતુથી કૌશલ્યવાન મહિલાશકિતને કામ અને યોગ્ય તક આપી સમાજને વિકાસના માર્ગે અડીખમ બનાવવાની પણ પ્રતિબધ્ધતા દર્શાવી છે એમ તમામ સખી મંડળની બહેનો અને ગ્રામજનોને ડ્રોન નિદર્શન દ્વારા આ યોજનાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે, આજથી જ આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કરવો પડશે.એમ ઉમેરી સમગ્ર દેશમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ટૂંકો ચિતાર આપ્યો હતો.
આ પ્રસંગે વાગદા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વિવિધતામાં એકતા દર્શાવતુ મૂક નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ સાથે સખીમંડળની બહેનોએ ગામીત બોલીમાં પ્રાકૃતિક ખેતી કરી જમીનની ફળદ્રુતા બચાવવા અને આપણા સ્વાસ્થય બચાવવાનો સંદેશો આપ્યો હતો.
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.બાળકોને પ્રોત્સાહિત ઇનામ તરીકે રોકડ રૂપિયા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.’મેરી કહાની મેરી ઝુબાની’ થીમ હેઠળ સરકારશ્રીની વિવિધ યોજનાના લાભોથી પ્રભાવિત લાભાર્થીઓએ પોતાની સફળતાની કહાની રજુ કરી હતી.વિવિધ યોજનાકિય લાભોના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા
આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારીશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સભ્ય સહિત જિલ્લા-તાલુકા અને સ્થાનિક જનપ્રતિનિધિશ્રીઓ, લાભાર્થીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતા.