
ધારાસભ્યશ્રીએ પોતે આરોગ્ય કેમ્પમાં બી.પી.-ડાયાબિટીસની તપાસ કરાવી અને મહત્તમ લોકો આ કેમ્પ થકી લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ

ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યો હતો. જેને ભરૂચ જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે.

ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામ ખાતે ધારાસભ્યશ્રી રીતેષ વસાવાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી રાખવા, યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ અન્વયે પોતાને મળેલા લાભોની ગાથા વર્ણવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી. ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણ માટે પોતાની સહયોગીતા આપવાના શપથ લીધા હતા.

આ તકે ઉપસ્થિત મહેમાનોએ આરોગ્ય અને આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા કેમ્પની મુલાકાત લીધી હતી તથા ધારાસભ્યશ્રીએ પોતે પણ આરોગ્ય કેમ્પમાં બી.પી.-ડાયાબિટીસની તપાસ કરાવી અને ગામના મહત્તમ લોકો આ કેમ્પ થકી લાભાન્વિત થાય તે સુનિશ્ચિત કર્યુ હતું.
કાર્યક્રમમાં રઝલવાડા ગામના સરપંચ શ્રી હિતેશભાઈ વસાવા, ઉપસરપંચ શ્રી અશ્વિનભાઈ વસાવા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ,લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
