રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચરણસિંહ ચૌધરીની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં તા.૨૩મી ડિસેમ્બર ને ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
ખેતીપ્રધાન ભારત દેશના પાંચમા પ્રધાનમંત્રીશ્રી ચૌધરી ચરણસિંહ ખેડૂતો માટે મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા, અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતુ. તેમણે ૨૮ જુલાઈ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી દેશના પાંચમા પ્રધાનમંત્રી તરીકે દેશને સેવા આપી હતી. શ્રી ચરણ સિંહે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું છે, જેને આપણે ‘કિસાન ઘાટ’ તરીકે ઓળખીએ છીએ.
ભારત સરકારે વર્ષ ૨૦૦૧થી તેમના સન્માનમા દર વર્ષે ૨૩ ડિસેમ્બરના દિવસે ‘ખેડૂત દિવસ’ના રૂપમા ઉજવવાનો નિર્ણય લીધો હતો.

કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપતા કિસાન દિવસ જેવા સમારોહ, લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દાઓ વિશે શિક્ષિત કરવાનુ કામ કરે છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખેડૂતોને “જય જવાન, જય કિસાન”નો નારો આપ્યો હતો.
સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે પ્રાકૃતિક કૃષિને વરેલા ગુજરાતના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાની કૃષિ, કૃષક, અને કૃષિ વિષયક જાણકારી મેળવવી પ્રાસંગિક લેખાશે.
ડાંગ જિલ્લામાં ખેડૂત ખાતેદારોની વાત કરીએ તો અહીં ૧૭૨૧ સીમાંત ખેડૂત, ૫૨૪૯ નાના ખેડૂત, ૫૬૦૩ મોટા ખેડૂત મળી કુલ ૧૨ હજાર ૫૭૩ ખેડૂત ખાતેદારો નોંધાયા છે. જેમને ખેડૂત કલ્યાણકારી અનેકવિધ યોજનાઓનો લાભ પૂરો પાડી, તેમની આવક વધારવાના સ્તુત્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લાના કુલ ૫૭ હજાર ૮૪૩ હેક્ટર ખેડાણલાયક વિસ્તાર પૈકી ૧૨ હજાર ૨૨૫ હેક્ટર વિસ્તારમાં પિયતનો લાભ મળી રહ્યો છે. આ માટે ૧૯૦૦ જેટલા હેક્ટરમાં કુવા, ૧૨૫ હેક્ટરમાં બોર, ૯૫૦૦ હેક્ટરમાં નદી/નાળા અને ૭૦૦ હેક્ટરમાં ચેકડેમ/તળાવથી પિયત ખેતી કરવામાં આવી રહી છે.
ખેતીવાડી ખાતા દ્વારા ડાંગના ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જુદી જુદી યોજનાઓ અંતર્ગત કુલ રૂ.૧૮૨૮.૪૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે બાગાયત ખાતા દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં રૂ. ૧૨૩૪.૧૯ લાખની સહાય પૂરી પાડવામાં આવી છે.
જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત કરીએ તો કુલ ૩૩ હજાર ૯૪૪ ખેડૂતોને આજ દિન સુધી કુલ રૂ. ૭૭ કરોડ, ૧૦ લાખ, ૪૪ હજારની ચુકવણી કરવામાં આવી છે. પ્રાકૃતિક જિલ્લા તરીકેનું બિરુદ પ્રાપ્ત ડાંગ જિલ્લામાં ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા સને ૨૦૨૩-૨૪ માં કુલ ૩૦૧ તાલીમ વર્ગમાં ૧૨ હજાર ૪૧ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પૂરી પાડવામાં આવી છે.
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે ડાંગ જિલ્લામાં ગાય નિભાવ ખર્ચ પેટે સને ૨૦૨૨-૨૩ દરમિયાન માર્ચ ૨૩ સુધીમાં કુલ ૩૦૨૮ પશુપાલકોને રૂ. ૩૩૨.૮૫ લાખની સહાય આપવામાં આવી છે. તો સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી માટેની સહાય યોજના અંતર્ગત સને ૨૦૨૧-૨૨ ના પ્રથમ વર્ષમાં ૧૩ હજાર ૪૮૦ ખેડૂતોને કુલ રૂ. ૭૬૦.૪૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તો સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટેની સહાય યોજના અંતર્ગત સને ૨૦૨૧/૨૨ના પ્રથમ વર્ષમાં ૧૩ હજાર ૪૮૦ ખેડૂતોને કુલ રૂ. ૭૬૦.૪૪ લાખની સહાય ચુકવવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લાના ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના, ખેડૂતોને મલ્ટીપર્પઝ હેતુ માટે ડ્રમ તેમજ પ્લાસ્ટિકના ટોકર આપવાની યોજના, AGR ૧૪ અને AGR ૫૦ યોજના સહિતની I.khedut પોર્ટલ ઉપર ઉપલબ્ધ શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લઈને, જિલ્લાના ખેડૂત પરિવારોનો આર્થિક અને સામાજિક ઉત્કર્ષ થવા પામ્યો છે.