થરાદ બસ સ્ટેશન પરિસરમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ત્રણ નવનિર્મિત ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ: સ્વસહાય જૂથોને અપાયા સહાયના ચેક

ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ગ્રામીણ કલા-કારીગરી અને મહિલા સ્વસહાય જૂથોના આર્થિક સશક્તિકરણને વેગ આપવાના ઉમદા આશય સાથે થરાદ બસ સ્ટેશન પરિસરમાં નવનિર્મિત ૩ ‘ગ્રામ હાટ’નું ભવ્ય લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદહસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે અધ્યક્ષશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ નવનિર્મિત ગ્રામ હાટના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈને બહેનો દ્વારા પ્રદર્શિત ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મંચ પરથી મહિલા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓના સહાયના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, છેવાડાના અને સરહદી વિસ્તારની બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બને તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરતા બસ સ્ટેન્ડ જેવા જાહેર અને સતત ધમધમતા પરિસરમાં ગ્રામ હાટ કાર્યરત થવાથી સ્થાનિક બહેનો દ્વારા નિર્મિત હાથવણાટ, ખેતી આધારિત ચીજવસ્તુઓ તેમજ શુદ્ધ મધ અને ઘી જેવા ગૃહ ઉદ્યોગના ઉત્પાદનોને વચેટિયા વિના સીધું અને મોટું બજાર મળશે. સીધા વેચાણ કેન્દ્રથી બહેનોની આવકમાં નોંધપાત્ર વધારો થશે અને તેઓ વધુ સક્ષમ બનશે.

અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, થરાદ નગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને ઘરબેઠાં શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂ.૨૧ કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે, જેના માટે મહેસૂલ વિભાગ દ્વારા જરૂરી જમીનની મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, સંપ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાઇપલાઇનનું સંપૂર્ણ નેટવર્ક ઊભું કરીને દરેક સોસાયટી અને ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. નાગરિકોને બહારથી પાણી ખરીદવું ન પડે તે માટે આ ભંડોળ મંજૂર કરવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો તથા દોઢ વર્ષનો પ્રોજેક્ટ એક જ વર્ષમાં પૂર્ણ કરાશે તેમ જણાવ્યું હતું.

સરહદી વિસ્તારમાં સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે નવા અત્યાધુનિક ફાયર સ્ટેશનના નિર્માણ અંગે અધ્યક્ષશ્રીએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરશ્રી અને મહેસૂલ વિભાગ દ્વારા ફાયર સ્ટેશન માટે જરૂરી જમીનની મંજૂરીનો હુકમ કરી દેવાયો છે. ૩ થી ૪ લાયબંબા (ફાયર ફાઈટર) અને આધુનિક સંસાધનો સાથે આ ફાયર સ્ટેશન ૨૪ કલાક સ્ટેન્ડબાય રહેશે. જેથી કોઈપણ આકસ્મિક આગ દુર્ઘટના કે કુદરતી આફતના સમયે સ્થાનિક સ્તરેથી જ ત્વરિત રાહત-બચાવ કામગીરી થઈ શકે અને લોકોએ બહારના તાલુકા કે જિલ્લાના ભરોસે ન રહેવું પડે.

આ પ્રસંગે નગરપાલિકા વિસ્તારમાં રૂ.૩ કરોડથી વધુના ખર્ચે રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જેમાં મારવાડી બોર્ડિંગથી બસ સ્ટેન્ડ સુધીનો વર્ષો જૂનો બિસ્માર માર્ગ આગામી દિવાળી અને નૂતન વર્ષ પૂર્વે નવો તૈયાર કરાશે. અધ્યક્ષશ્રીએ એસટી નિગમની ઉત્કૃષ્ટ સેવાઓની સરાહના કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી અર્જુનસિંહ વાઘેલા, ઈ.ચા કલેકટરશ્રી કલ્પેશકુમાર શર્મા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, વેપારી મંડળ, સ્થાનિક સખી મંડળની બહેનો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
*

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *