સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ અને મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પરિયોજના હેઠળ સરસપુર તરફના નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવરબ્રિજનો શુભારંભ સાંસદ, અમદાવાદ (પશ્ચિમ) દિનેશભાઈ મકવાણા તેમજ ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
આગામી દીપાવલી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરસપુર બાજુનું નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ થતાં આ વિસ્તારોમાંથી આવતાં યાત્રીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ માટે વધારાનો અને સરળ માર્ગ ઉપલબ્ધ થશે.
નવા પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવરબ્રિજથી સ્ટેશનના હાલના પ્રવેશ માર્ગોનો ધસારો ઓછો કરવામાં પણ સહાયતા મળશે. આ ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજ પર હાલમાં ૧૦ એસ્કેલેટર અને લિફ્ટ કાર્યરત છે. નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર પર પણ લિફ્ટનું નિર્માણ કામ પ્રગતિમાં છે, જેને વહેલીતકે યાત્રીઓના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સાથે જ મહાનુભાવો દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામો અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પરિયોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કામની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, સારંગપુર અને કાલુપુર રેલવે બ્રિજના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા પણ કરાઈ હતી.

જે અંતર્ગત, વિવિધ નિર્માણ પ્રવૃત્તિઓ, યાત્રી સુવિધાઓના વિકાસ, સ્ટેશન સંકુલની કનેક્ટિવિટી તેમજ ભવિષ્યની પાયાની માળખાકીય યોજનાઓની માહિતી મેળવવામાં આવી હતી.
અમદાવાદ રેલવે મેનેજર વેદપ્રકાશે અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પરિયોજનાને મહત્વપૂર્ણ ગણાવી હતી. જેને રેલવે સંચાલન અને યાત્રીસેવાઓ ચાલુ રાખીને તબક્કાવાર અમલમાં મૂકવામાં આવી રહી છે. નિર્માણ કામ દરમિયાન યાત્રીઓની સુરક્ષા, સુવિધા અને અવિરત રેલવે સંચાલનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ રેલવે સ્ટેશનને ભવિષ્યમાં એક આધુનિક મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ ભારતીય રેલવે, બુલેટ ટ્રેન સ્ટેશન અને નજીકના મેટ્રો સ્ટેશન વચ્ચે ઉત્તમ કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું લક્ષ્ય છે.
આગામી દિવસોમાં મેટ્રો સ્ટેશનથી રેલવે સ્ટેશન સંકુલમાં સીધા પ્રવેશની સુવિધા શરૂ કરવાની પણ યોજના છે. આનાથી યાત્રીઓને વિવિધ પરિવહન સાધનો વચ્ચે સરળ અવરજવરની સુવિધા મળશે અને અમદાવાદ રેલવે સ્ટેશનને એક આધુનિક અને સંકલિત પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વેગ મળશે.
અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પરિયોજના હેઠળ રૂફ પ્લાઝા સહિત વિવિધ આધુનિક યાત્રી સુવિધાઓનો વિકાસ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર સાઉથ મલ્ટિમોડલ ટ્રાન્ઝિટ હબ (MMTH) બિલ્ડીંગના ૧૪ માળનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકીના બે માળ પર કામ પ્રગતિમાં છે.
યાત્રીઓની સુવિધા માટે MMTH બિલ્ડીંગમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS), ક્લોક રૂમ અને ડિજિટલ લોકર, વેટિંગ રૂમ જેવી મહત્ત્વપૂર્ણ સુવિધાઓ સ્થળાંતરિત કરવામાં આવી ચૂકી છે. આ સાથે જ પ્લેટફોર્મ નંબર-૧ થી યાત્રીઓના પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ અવસરે મંડળ રેલ મેનેજર, અમદાવાદ શ્રી વેદ પ્રકાશ સહિત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) તેમજ અમદાવાદ મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.