ખેડૂતોની સુખાકારી માટે ‘દિવસે કામ અને રાત્રે વિશ્રામ’ની ભાવનાથી કિસાનોનો સંપૂર્ણ સૂર્યોદય અને સર્વોદય થશે : આમોદ તાલુકાના ૨૭ ગામના ૪૬૪ ખેડૂતોને મળનારો લાભ
ભરૂચ જિલ્લાના આમોદ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતાં સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ
ભરૂચ જિલ્લાના આમોદના સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કાર્યક્રમ સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરી, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ દિપપ્રાગટ્યથી કર્યા બાદ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજના થકી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ૨૭ ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા કિસાન પરિવારોમાં સમૃદ્ધિનો સૂરજ ઉગશે. મંત્રીશ્રીએ રાજ્યના તમામ ખેડૂતોની સુખાકારી માટે ‘દિવસે કામ અને રાત્રે વિશ્રામ’ની ભાવનાથી કિસાનોનો સંપૂર્ણ સૂર્યોદય અને સર્વોદય થશે’તેવી નેમ પણ વ્યકત કરી હતી.
મંત્રીશ્રીએ કિસાન સૂર્યોદય યોજના રાજ્યના લાખો ખેડૂતો માટે ઐતિહાસિક વીજક્રાંતિના મંડાણ છે એમ જણાવતાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપીને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાના પડકારરૂપ કાર્યને ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ માટે જરૂરી માળખાકીય નેટવર્ક ઉભુ કરવા માટે આગામી ત્રણ વર્ષ માટે રૂા.૩૫૦૦ કરોડની જોગવાઇ પણ સુનિશ્ચિત કરી છે.
રાજ્ય સરકારે રાજ્યમાં ૨૪ કલાક વિજળી અને હવે કિસાનોને દિવસે વિજળી આપીને ઘરેલું અને કૃષિ વિજ સુવિધા માટે સર્વાંગી બદલાવવા કમર કસી છે તેમ જણાવી મંત્રીશ્રીએ કિસાન સન્માન નિધિ, પાક વીમા યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણનાં જેવી અનેક યોજનાની વિગતે જાણકારી આપી હતી.
ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા લોકોની અપેક્ષા મુજબનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. સાંસદશ્રીએ કિસાન સૂર્યોદય યોજનાને આવકારી ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવી સરકારશ્રીની ખેડૂતો માટેની યોજના, ઉદ્દેશો અને સંકલ્પોની વાત દોહરાવી હતી.
પૂર્વ મંત્રીશ્રી છત્રસિંહ મોરીએ ખેડૂત પગભર કેવી રીતે બને તે માટેના રાજ્ય સરકારના સરાહનીય પ્રયાસોને બિરદાવી કિસાન સૂર્યોદય યોજનાની વિગતવાર માહિતી આપી હતી. નાહિયેર ગુરૂકૂળના શ્રી ડી.કે.સ્વામીએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
પ્રારંભે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેરશ્રી જે.એસ.કાદરીયાએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારી કિસાન સૂર્યોદય યોજના અંગેની વિસ્તૃત વિગત પૂરી પાડી હતી.
કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન,માસ્ક અને સેનિટાઈઝરનાં ઉપયોગ સાથે કોવિડ-૧૯ ની સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું. અંતમા આભારવિધિ કાર્યપાલક ઈજનેરશ્રી બી.સી.ગોધાનીએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા આગેવાન શ્રી મારૂતિસિંહ અટોદરીયા, નિરલ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, પ્રાંત અધિકારીશ્રી કલસરીયા, આગેવાન-પદાધિકારીઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.



