વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે રૂા.૧૨,૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થનારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન

સુરતના વિકાસની યશકલગીમાં વધુ એક સોહામણું પીંછું ઉમેરાયુંપ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ.૨,૭૯૫ કરોડના ત્રણ ટેન્ડરો મંજૂર

  • અભૂતપૂર્વ વિકાસ થકી સુરત શહેર ‘સુરત સ્પિરિટ’થી ચારેકોર જાણીતું બન્યું:
  • સુરત સપનાઓનું શહેર: ભાગ્ય અજમાવવા સુરત આવેલા લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરતનું નિર્માણ
  • મિની ભારતની ઉપમા મેળવનાર સુરતે દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો ભારતીયોને અપનાવ્યા
  • અગાઉ સુરતમાં ૨૦ ટકા વસ્તી ઝુંપડપટ્ટીમાં વસતી, જે હવે આવાસીય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઘટીને છ ટકા થઈ
  • સુરતમાં કથીરમાંથી કંચન ઉત્પન્ન કરવાની ક્ષમતા: સુરત પાલિકા વાર્ષિક રૂ.૧૦૦ કરોડની આવક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મેળવે છે:- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂા.૧૨,૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થનારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઈ-ભૂમિપૂજન કર્યું હતું. આ પરિયોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં. ડ્રિમ સિટીથી ચોકબજારથી રેલવે સ્ટેશન (એલિવેટેડ કોરિડોર) તેમજ ચોકબજારથી સુરત રેલવે સ્ટેશન (અંડરગ્રાઉન્ડ કોરિડોર)ની કામગીરીનો નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી તેમણે શુભારંભ કરાવ્યો હતો.

                 સુરતના વિકાસની યશકલગીમાં વધુ એક સોહામણું પીંછું ઉમેરતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ.ના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો પ્રોજેક્ટ હેઠળ ફેઝ-૧ અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટીના ૨૧.૬૧ કિ.મી.ના રૂટમાં ૨૦ જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. ભેંસાણથી સારોલી સુધીના ૧૮.૭૪ કિ.મી.ના રૂટમાં ૧૮ સ્ટેશનોનું નિર્માણ થશે. કુલ ૪૦.૩૫ કિમી લંબાઈના મેટ્રો રેલ કોરિડોરમાં પ્રત્યેક કિલોમીટરના અંતરે મેટ્રો સ્ટેશન બનશે. સુરત મેટ્રો રેલ સુરતના લોકલ ટ્રાન્સપોર્ટેશનનો મહત્વનો હિસ્સો બનશે, તેમજ સુરતના મહત્વના સ્થળો, કોલેજો, મોલ્સ, વિદ્યા સંકુલો અને વાણિજ્ય સ્થળો સાથે મેટ્રો રેલ કનેક્ટ થશે. શહેરીજનોને બહેતર અને સુવિધાજનક વાહનવ્યવહાર સેવાનો લાભ મળશે

                સુરત ખાતે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સમાં આયોજિત સમારોહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ જોડાયા હતાં, જ્યારે મહાત્મા મંદિર,ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સહિત મંત્રીગણ જોડાયા હતાં.

               આ પ્રસંગે વિડીઓ કોન્ફરન્સથી સંબોધન કરતાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને સુરત એ ભારતની આત્મનિર્ભરતાને સશક્ત કરતાં મહત્વના શહેરો છે. બે દાયકા પહેલાં સુરતની ચર્ચા થતી, ત્યારે પ્લેગ મહામારી સાથે સુરતને જોડવામાં આવતું હતું. પરંતુ હવે અભૂતપૂર્વ વિકાસ થકી ધરમૂળથી બદલાયેલું આ શહેર ‘સુરત સ્પિરિટ’થી ચારેકોર જાણીતું બન્યું છે. મિની ભારતની ઉપમા મેળવનાર સુરતે દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો ભારતીયોને અપનાવ્યા છે એમ જણાવી સુરતને વર્લ્ડક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી વિકાસની નવી ઉંચાઈ મળી હોવાનું ઉમેર્યું હતું.

               વડાપ્રધાનશ્રીએ સુરતની વિશેષતાઓ અને ખૂબીઓનો સગૌરવ ઉલ્લેખ કરતાં કહ્યું કે, સુરત દુનિયાનું સૌથી વધુ ઝડપે વિકસતું ચોથા ક્રમનું શહેર છે. અહીં ભારતભરનું ૩૦ ટકા મેન મેડ ફાઈબર અને ૪૦ ટકા મેન મેડ ફેબ્રિક બને છે. વિશ્વમાં બનતા ૧૦ માંથી ૦૯ હીરા સુરતમાં તૈયાર થાય છે. અગાઉ સુરતમાં ૨૦ ટકા વસ્તી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી, જે હવે આવાસીય સુવિધાઓ ઉપલબ્ધ થવાથી ઘટીને છ ટકા થઈ છે. ફ્લાય ઓવર સિટી તરીકે જાણીતા સુરતમાં ૧૦૦ બ્રિજ નિર્માણ પામ્યા છે, જે પૈકી ૮૦ બ્રિજ છેલ્લાં ૨૦ વર્ષમાં જ નિર્માણ પામ્યા હોવાનું અને ૦૮ બ્રિજ નિર્માણાધીન હોવાનું તેમણે જણાવ્યુ હતું.

               વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, કથીરમાંથી કંચન ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવતું સુરત શહેર વાર્ષિક રૂ.૧૦૦ કરોડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી પાણીને રિસાયકલ કરીને કમાય છે. ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આ શહેરે  મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે એમ જણાવતાં તેમણે સુરતને સપનાઓના શહેર તરીકે ઓળખાવ્યું હતું. સુરતમાં ભાગ્ય અજમાવવા આવેલા હજારો-લાખો કર્મશીલ નાગરિકોના સપનાઓથી આધુનિક સુરત નિર્માણ પામ્યું છે, સુરત શહેર ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણનું હોવાનું સ્પષ્ટપણે કહ્યું હતું.

             વડાપ્રધાનશ્રીએ રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાં કરેલી જનહિતલક્ષી કામગીરીની સરાહના કરી કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ, કોરોના સામે જંગ, બાળ અને મહિલા કલ્યાણના અનેકવિધ પગલાઓથી ગુજરાત રાજ્ય ‘બડા ઔર બહેતર’ વિકાસમાં અગ્રેસર રહ્યું હોવાનો મત વ્યકત કર્યો હતો.   

               આ પ્રસંગે સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની હકારાત્મક નીતિના કારણે રૂ.બે હજાર કરોડના તાપી રિવરફ્રન્ટ ઝડપભેર સાકાર થશે. સુરત વસવાલાયક શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન ધરાવે છે એ સુરત અને રાજ્ય માટે ગૌરવ સમાન છે કુલ ૪૦.૩૫ કિમી લંબાઈનો મેટ્રો રેલ કોરિડોર સુરતની શાન બનશે એમ જણાવી શ્રી પાટીલે મેટ્રો ટ્રેનનું કાર્ય પૂર્ણ થતાં સુરતવાસીઓને યાતાયાતની ઉત્તમ સગવડ મળશે સાથે નિયત સમયમર્યાદામાં ગંતવ્ય  સ્થાનો પર પહોંચવામાં સરળતા રહેશે એમ જણાવ્યું હતું.

                પ્રારંભે મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ કાર્યક્રમમાં સૌને આવકારી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની વિગતો આપી હતી. 

                સમારોહમાં GMRCના પૂર્વ એક્ઝિ. ડિરેક્ટરશ્રી મહેન્દ્ર પટેલ, GMRCના જનરલ મેનેજર જિતેન્દ્ર શુક્લા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ડિરેક્ટર સહદેવસિંહ રાઠી, ડે.જનરલ મેનેજર કે.જે.ઓઝા, GMRCના શ્રી સત્યપ્રકાશ, ધારાસભ્યશ્રીઓ, સુરત મનપાના અધિકારીઓ, મહાનુભાવો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *