પાંડેસરા GIDC ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી

પર્યાવરણ વિકાસના મંત્રને વરેલી રાજ્ય સરકાર ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી

વર્ષ ૨૦૩૫ સુધીમાં ટેક્સટાઇલ ઉદ્યોગ ૧૦૦ ટકા આત્મનિર્ભર બને તેવો પર્યાવરણ મંત્રીએ વ્યક્ત કર્યો આશાવાદ

પાંડેસરા GIDC ખાતે વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ ઉદ્યોગઅગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગની નવી સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકને સંબોધતા રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સચિન અને પાંડેસરા GIDC વિસ્તારમાં સ્થાનિક ઉદ્યોગો દ્વારા પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે વિશેષ કામગીરી થઈ છે. તેમણે ‘મિશન લાઇફ’ અંતર્ગત થઈ રહેલી પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ટેક્સટાઈલ ઉદ્યોગો નિયમોના પાલન સાથે પ્રગતિ કરી રહ્યા છે, ત્યારે હાલના ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં નવી તકો ઝડપી લેવા માટે આપણે સજ્જ થવું પડશે.
મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ ૨૦૩૫માં દેશની આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાની ઉજવણી કરીએ ત્યારે આપણો ટેક્સટાઇલ ઉદ્યોગ ૧૦૦ ટકા આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર સહયોગ આપશે. તેમણે પર્યાવરણ જાળવણી સાથે વિકાસના મંત્રને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ઉદ્યોગોના વિકાસ માટે હંમેશા સકારાત્મક વલણ ધરાવે છે. તેમણે GIDC વિસ્તારોમાં વાહનવ્યવહારની સુવિધા માટે મજબૂત રસ્તાઓ બનાવવા અને ઉદ્યોગોને સ્થાનિક સ્તરે જ કુશળ માનવબળ મળી રહે તે માટે ‘સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત, ગ્રાઉન્ડ વોટર (ભૂગર્ભ જળ)ને લગતા પ્રશ્નોના કાયમી ઉકેલ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અરૂણ પટેલ, પલસાણા, કિમ, કડોદરા સહિત વિવિધ એસોસિએશનના પ્રમુખો, ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ, પ્રોસેસર્સ યુનિટોના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM