‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ અન્વયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાતે

ભગવાન સોમનાથ દાદાના દિવ્ય ચરણોમાં નતમસ્તક થઈ પૂજા-અર્ચના કરી સર્વેના મંગલ, સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સુપ્રસિદ્ધ હિંદુ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ કરેલા બર્બર હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સોમનાથ મુલાકાત પૂર્વે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે સોમનાથ પંહોચ્યા હતાં જ્યાં તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના દિવ્ય ચરણોમાં નતમસ્તક થઈ પૂજા-અર્ચના કરી સર્વેના મંગલ, સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ ના આયોજનની ભવ્ય પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી તેમજ વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી સુચન આપ્યા હતાં. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શ્રી પ્રદ્યુમનભાઈ વાઝા, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી અનિરૂદ્ધભાઈ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રમેશભાઈ ધડુક સહિત સ્થાનિક અગ્રણીશ્રીઓ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષશ્રીએ વિસ્તારના નવ જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો સાથે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ઈ.સ. 1025માં મહમૂદ ગઝનીએ ભારતની સંસ્કૃતિ અને આત્મગૌરવ પર આઘાત કરતું કૃત્ય કરી સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. મંદિર તોડી પાડવામાં આવ્યું, અપાર લૂંટ ચલાવી. આ હુમલો આસ્થા અને સભ્યતાના એક મહાન પ્રતીકને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો. પછીની શતાબ્દીઓમાં પણ અનેક વખત સોમનાથ પર આક્રમણો થયા, મંદિર તૂટી પડ્યું, ઉજાડ બન્યું. પરંતુ દરેક વિનાશ પછી સોમનાથ ફરી ઉભુ થયું. આ પુનઃસ્થાપન માત્ર એક ધાર્મિક કાર્ય નહોતું, તે ભારતીય ચેતનાનો પ્રતિરોધ હતો. સોમનાથ સાબિત કરતું રહ્યું કે આક્રમણકારો મંદિર તોડી શકે, પરંતુ શ્રદ્ધા તોડી શકતા નથી.

1947માં ભારત સ્વતંત્ર થયું, સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો. તેઓનું માનવું હતું કે સોમનાથનું પુનર્નિર્માણ એટલે ભારતના સ્વાભિમાનનું પુનર્જાગરણ. જનસહયોગથી મંદિર ફરી ઊભું થયું અને 1951માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર લઈ શક્યું. આ ક્ષણ ભારતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ બની. આજે સમુદ્રના તટ પર અડીખમ ઉભેલું સોમનાથ મંદિર દરેક ભારતીયને યાદ અપાવે છે કે ભારતની સંસ્કૃતિ અપરાજિત છે. સંયોગ છે કે, 2026નું આ જ વર્ષ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ પણ છે. 11 મે 1951ના રોજ સોમનાથ મંદિરના પુન:ર્નિર્માણનું કાર્ય સંપન્ન થયું હતું.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે કે, જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ. ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દેશના શિવ મંદિરોમાં 72 કલાક સુધી અવિરત ઓમકાર મંત્ર અને શંખનાદ દ્વારા સમગ્ર વાતાવરણને શિવમય બનાવાશે અને સોમનાથ મંદિરની ૧૦૦૦ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાનું સ્મરણ કરાશે. સોમનાથ ખાતેના કાર્યક્રમ અંતર્ગત સોમનાથ મંદિરમાં ૧૦૦૦ શંખનો નાદ કરાશે, અને આ આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *