સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં ઉપસ્થિત રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

શંખ તથા ડમરુના પ્રચંડ અને પવિત્ર ધ્વનિનાદ તેમજ ‘હર હર મહાદેવ‘ની ગુંજ સાથે સોમનાથમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો

  • સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવાધિદેવ મહાદેવની મહાપૂજા-અર્ચના અને જળાઅભિષેક કરી ૧૪૦ કરોડ દેશવાસીઓ સહિત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
  • ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા “વિનાશ પર વિકાસની રૂપરેખા”ને અંકિત કરતા અદ્ભુત એર શો અને દિલધડક કરતબને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નિહાળ્યું
  • પ્રથમ વિધ્વંસના હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિરનું અવિનાશી સ્વરૂપ ભારતની અડગ આસ્થાનું પ્રતિક છે- શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • જવાહરલાલ નહેરુજી જેવા નેતાઓ દ્વારા સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કરાયા છતાં સરદાર પટેલની અડગ ઇચ્છાશક્તિથી મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે વર્ષોનું કલંક દૂર કર્યું- શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • આજે પણ દેશમાં કેટલીક શક્તિઓ રાષ્ટ્રીય સ્વાભિમાન કરતાં તૃષ્ટીકરણને મહત્વ આપે છે- શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • નવી પેઢી જ્યારે ઇતિહાસ, આસ્થા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાય છે ત્યારે રાષ્ટ્રનું આત્મબળ મજબૂત બને છે- શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • ભારતે સાંસ્કૃતિક પુનર્જાગરણનો એક નવો અધ્યાય રચ્યો છે- શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • આધુનિકતા અને વિરાસત ભારત માટે વિરોધી નહીં પરંતુ પરસ્પર પૂરક શક્તિઓ છે- શ્રી નરેન્દ્રભાઇ મોદી
  • ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી ભારતની આસ્થા, સંસ્કૃતિ અને પુનઃજાગરણનું જીવંત પ્રતીક રહ્યું છે- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
  • લોકનાયક શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરોડો ભારતીયોના મનમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિંદુ સંસ્કૃતિના જાગરણનોભાવ પ્રબળ બનાવ્યો છે- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિરાસતથી વિકાસના મંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો છે- શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પૂર્વે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હેલિપેડ થી વીર હમીરજી ગોહિલની પ્રતિમાં સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો અને રોડ-શો બાદ તેઓએ સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવાધિદેવ મહાદેવજીની મહાપૂજા-અર્ચના અને જળાઅભિષેક કરી ૧૪૦ કરોડ દેશવાસીઓ સહિત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. રોડ- શો દરમિયાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા સોમનાથ મંદિરના આકાશમાં અદ્ભુત એર શો અને દિલધડક કરતબ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં “વિનાશ પર વિકાસની રૂપરેખા”ને અંકિત કરતા વિશેષ પ્રદર્શનને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નિહાળ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હેલિપેડ થી વીર હમીરજી ગોહિલની પ્રતિમાં સુધીના રોડ-શો માં સુંદર રીતે શુશોભિત કરાયેલ સમગ્ર રૂટ પર વિશાળ સંખ્યામાં શિવભક્તો, સાધુ-સંતો, વિવિધ સમાજના અગ્રણીઓ અને સોમનાથવાસીઓ, સનાતનપ્રેમીઓએ આ ઐતિહાસિક, અવિસ્મરણીય અને અદભૂત રોડ-શો ના સાક્ષી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું “હર હર મહાદેવ”, “જય સોમનાથ” તેમજ “ભારત માતા કી જય” ના ગુંજારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું. રોડ-શો દરમિયાન બંગાળી નાગરિકો દ્વારા પણ પ્રધાનમંત્રીશ્રીને રૂડો આવકાર આપવામાં આવ્યો હતો. શંખ અને ડમરુના પ્રચંડ અને પવિત્ર ધ્વનિનાદ તેમજ ‘હર હર મહાદેવ‘ ની ગુંજ સાથે સોમનાથમાં આયોજિત રોડ- શો માં અલૌકિક ભકિતમય વાતાવરણનું સર્જન થયું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુલ્લી કારમાં ઊભા રહી ઉલ્લાસભેર વિશાળ જનસમુદાયને વંદન કરી સૌ નાગરિકોના અભિવાદનને આત્મીયતાપૂર્વક ઝીલ્યું હતું. શ્રી મોદીજીએ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પૃષ્પાંજંલિ અર્પણ કરી વંદન કર્યા હતાં.

સોમનાથ અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના વક્તવ્યની શરૂઆત “જય સોમનાથ” અને “હર હર મહાદેવ”ના નાદ સાથે કરી હતી અને જણાવ્યું કે આજે પ્રભાસ પાટણ ની પવિત્ર ધરતી અદભૂત આધ્યાત્મિક ઉર્જાથી ધબકી રહી છે. મહાદેવનો સાક્ષાત્કાર, વરસતા પુષ્પો, કેસરીયા ધ્વજની આભા, કળા-સંગીત-નૃત્યની અભિવ્યક્તિ, વેદમંત્રોના ગુંજતા નાદ, ગર્ભગૃહમાં ચાલી રહેલા શિવ પંચાક્ષરીના અખંડ પાઠ અને સાગરની લહેરોના જયઘોષથી જાણે સમગ્ર સૃષ્ટિ એકસાથે “જય સોમનાથ” ઉચ્ચારી રહી હોય તેવી અનુભૂતિ થઈ રહી છે.

તેમણે જણાવ્યું કે, આ સૃષ્ટી જેનાથી સર્જિત થાય છે જેનામાં લય થઇ જાય છે, આજે આપણે તેમના ધામના પુનનિર્માણનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. પ્રથમ વિધ્વંસના હજાર વર્ષ પછી પણ સોમનાથનું અવિનાશી સ્વરૂપ ભારતની અડગ આસ્થાનું પ્રતિક છે. આ સોમનાથના મંદિરના હાલના સ્વરૂપના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષની માત્ર ઉજવણી નથી, પરંતુ હજાર વર્ષોની અમૃત યાત્રાનો અનુભવ છે. 1947માં દેશ સ્વતંત્ર બન્યો અને 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલ એ 500થી વધુ રિયાસતોને એકતામાં બાંધીને આધુનિક ભારતનું નિર્માણ કર્યું અને સોમનાથના પુનનિર્માણથી વિશ્વને સંદેશ આપ્યો કે ભારત માત્ર આઝાદ નથી બન્યું, પરંતુ પોતાના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવા આગળ વધી રહ્યું છે. તેઓએ ઉમેર્યું કે, આજે આ અવસર પર તેઓ વિનાશમાં સર્જનની શક્તિ, અસત્ય પર સત્યની જીત અને માનવ કલ્યાણ માટેની હજારો વર્ષોની ચેતનાનો અનુભવ કરી રહ્યા છે. સોમનાથનો અમૃત મહોત્સવ માત્ર ભૂતકાળની યાદ નથી, પરંતુ આગામી હજારો વર્ષ માટે ભારતને પ્રેરણા આપતો મહોત્સવ છે.

વડાપ્રધાનશ્રી મોદીજીએ આજના દિવસના બેવડા મહત્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 11 મે 1998ના રોજ ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં દેશે ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્ર સાથે દુનિયાના દબાણ સામે ઝૂક્યા વગર આ મિશનને ‘ઓપરેશન શક્તિ’ નામ આપ્યું હતું. શિવ સાથે શક્તિની આરાધના આપણી પરંપરા છે. ચંદ્રયાન મિશનની સફળતા પછી ચંદ્ર પરના તે સ્થાનનું નામ શિવશક્તિ પોઈન્ટ રખાયાનું તેમણે સ્મરણ કર્યું.

તેમણે જણાવ્યું કે ઇતિહાસમાં સોમનાથ મંદિરે અનેક આક્રમણો સહન કર્યા, મહમ્મદ ગજનવી અને અલાઉદ્દીન ખિલજી જેવા આક્રમણકારોએ મંદિરના વૈભવને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સમજી શક્યા નહોતા કે ભારતનું વૈચારિક અને આધ્યાત્મિક સામર્થ્ય અવિનાશી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજા ભોજ, રાજા કુમારપાળ, રાજા મહિપાલ, રા’ખેંગાર, વિરહમિરજી ગોહિલ, વિરવેગડાજી ભીલ, અહલ્યાબાઈ હોળકર, ગાયકવાડ, જામસાહેબ અને મહારાણા દિગ્વિજયસિંહ સહિત અનેક મહાનુભાવોના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને કેએમ મુનશી જેવા મહાનુભાવોને પણ નમન કર્યું. તેમણે જણાવ્યું કે આઝાદી પછી પણ રાષ્ટ્રીય ગૌરવના વિષયો પર રાજનીતિ થતી રહી અને જવાહરલાલ નહેરુજી જેવા નેતાઓ દ્વારા સોમનાથના પુનઃનિર્માણનો વિરોધ છતાં સરદાર પટેલની અડગ ઇચ્છાશક્તિથી મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે વર્ષોનું કલંક દૂર કર્યું. તેમણે કહ્યું કે આજે પણ દેશમાં કેટલીક શક્તિઓ રાષ્ટ્રીય સ્વાભિમાન કરતાં તૃષ્ટીકરણને મહત્વ આપે છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સમયે થયેલા વિરોધનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે આવી સંકુચિત માનસિકતા સામે સાવધાન રહેવાની જરૂર છે. દેશને વિકાસ અને વિરાસત બંનેને સાથે લઈ આગળ વધવું પડશે.

તેમણે જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપવાનો અવસર તેમને મળ્યો છે. તેઓએ દેશભરના પવિત્ર સ્થળોના વિકાસ જેમ કે, કાશી વિશ્વનાથ ધામ, ઉજ્જૈન મહાકાલ, કેદારનાથ અને અયોધ્યા સહિતના સ્થાનોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે ભારતે સાંસ્કૃતિક પુનર્જાગરણનો એક નવો અધ્યાય રચ્યો છે. તીર્થસ્થળોના વિકાસથી આર્થિક ગતિવિધિઓમાં વધારો થયો છે. ચારધામ મહામાર્ગ, ગોવિંદઘાટથી હેમકુંડ સાહેબ રોપવે અને કરતારપુર કોરિડોર જેવી યોજનાઓએ આસ્થાને વિકાસ સાથે જોડીને નવો માર્ગ બતાવ્યો છે.

તેમણે કહ્યું કે, નદીઓ, વૃક્ષો, જંગલો અને પર્વતોમાં પણ ઈશ્વરની ઉપસ્થિતિ માનવાની પરંપરા આપણને પ્રકૃતિ સાથે સંતુલિત જીવન જીવવાનું શીખવે છે. નવી પેઢી જ્યારે પોતાના ઇતિહાસ, આસ્થા અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાય છે ત્યારે રાષ્ટ્રનું આત્મબળ મજબૂત બને છે. આધુનિકતા અને વિરાસત ભારત માટે વિરોધી નહીં પરંતુ પરસ્પર પૂરક શક્તિઓ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સોમનાથની આ યાત્રા આગામી સમયમાં વધુ ઊંચાઈઓ સર કરશે અને દાદા સોમનાથના આશીર્વાદથી દેશના સંકલ્પો પૂર્ણ થશે. સાથે જ તેમણે દેશવાસીઓને અમૃત મહોત્સવ અને “ઓપરેશન શક્તિ”ની વર્ષગાંઠની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અગાઉ અહીં ઉજવાયેલા “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની યાદો પણ તાજી કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમનાથ મંદિરની આસ્થા અને શ્રદ્ધા ના 1 હજાર વર્ષના વિષય પર વિશેષ ટપાલ ટિકિટનું તેમજ 40 ગ્રામ શુદ્ધ સોનાથી તૈયાર થયેલ રૂપિયા 75ના સ્મારક સિક્કાનું લોકાર્પણ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી ભારતની આસ્થા, સંસ્કૃતિ અને પુનઃજાગરણનું જીવંત પ્રતીક રહ્યું છે. આ મંદિરને ધ્વસ્ત કરવાના અનેક પ્રયાસો થયા, પરંતુ દરેક પ્રયાસ બાદ સોમનાથ વધુ તેજસ્વીતા સાથે ઊભું થયું છે, જે આજે સરદાર સાહેબના અડગ નિર્ધાર અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક બની ગયું છે. દેશ જ્યારે આઝાદીના અમૃતકાળમાં છે, ત્યારે આ અમૃત મહોત્સવનો પ્રસંગ ‘સોનામાં સુગંધ ભળે’ તેવો પાવન અવસર બની રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવભીનું સ્વાગત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા લોકલાડિલા વડાપ્રધાનશ્રીએ દેશમાં વિકાસની રાજનીતિને નવી ઊંચાઈ આપી છે. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી જેવી મહત્વની ચૂંટણીઓમાં મળેલા પ્રચંડ જનસમર્થન માટે વડાપ્રધાનશ્રી મોદીજીન સમગ્ર ગુજરાતની જનતા વતી તેમણે અભિનંદન પાઠવ્યા હતાં.

વધુમાં, મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, લોકનાયક શ્રી મોદીજીએ કરોડો ભારતીયોના મનમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિંદુ સંસ્કૃતિના પુનઃજાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિરાસતથી વિકાસના મંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો છે.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી અર્જૂનભાઇ મોઢવાડિયા, શ્રી ડો.પ્રદ્યુમનભાઇ વાજા, શ્રી કૌશિકભાઇ વેકરિયા, પ્રદેશ મહામંત્રીશ્રી અનિરુદ્ધભાઇ દવે, સાંસદ અને પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રીઓ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM