ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાતે

બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ અજમાયશી IAS અધિકારીઓ ને શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની ભારતીય સનદી સેવા બેચના 8 પ્રોબેશનરી ઓફિસર્સે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી.

આ અજમાયશી IAS અધિકારીઓ મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી વહીવટ અકાદમીમાં ફાઉન્ડેશન કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત કેડરમાં અધિક સહાયક કલેક્ટર તરીકે નિયુક્ત થયા છે તેમને બાવન સપ્તાહની જિલ્લા તાલીમ માટે બનાસકાંઠા, ભરૂચ, અમરેલી, કચ્છ, પંચમહાલ, ગોધરા, વલસાડ, રાજકોટ અને મહીસાગર જિલ્લા ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલા આ પ્રોબેશનરી આઈ.એ.એસ. ઓફિસર્સને શુભેચ્છાઓ પાઠવી સામાન્ય માનવી, વંચિત ગરીબના કલ્યાણના સેવા સંકલ્પ સાથે સેવારત રહેવાની શિખ આપી હતી.

આ અધિકારીઓ જિલ્લા તાલીમ દરમિયાન જાહેર આરોગ્ય અને પોષણ, વન ડિસ્ટ્રિક્ટ – વન પ્રોડક્ટ, સોશિયલ એન્ડ ફાઇનાન્સિયલ ઇન્કલુઝન, ગુડ ગવર્ન્સન્સ, લો એન્ડ ઓર્ડર, મેનેજમેન્ટ જેવા બહુવિધ વિષયો પર તાલીમ મેળવશે. આ તાલીમ પૂર્વે આ અધિકારીઓ ચાર સપ્તાહ માટે સ્પીપા અમદાવાદમાં ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને તે 26મી મે ના પૂર્ણ થવાની છે.

મુખ્યમંત્રીશ્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ સ્પીપાની તાલીમ તેમની કારકિર્દી ઘડતરમાં મહત્વપૂર્ણ બની હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.

આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડિરેક્ટર જનરલ અને વહિવટી સુધારણા પ્રભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, નિયામક શ્રી ચંદ્રેશ કોટક તથા સ્પીપાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *