
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત નેશનવાઈડ સેલિબ્રેશન ઓફ નેશનલ સ્પોર્ટ્સ ડે ૨૦૨૬ અંતર્ગત તા. ૨૮ થી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન “ખેલેગા ભારત, જીતેગા ભારત’, થીમ હેઠળ વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA), અમદાવાદ ખાતે ક્રાઇમ ડીજીપી ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં જેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોન વાઇઝ કબડ્ડી તેમજ રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો. રાવે જણાવ્યું હતું કે, રમતગમત એ શારીરિક ક્ષમતા સાથે ટીમ ભાવના અને શિસ્ત કેળવવાનું ઉત્તમ માધ્યમ છે. પોલીસ આવાસ નિગમ દ્વારા ફેઝ-૧ અંતર્ગત GIPCAનું અદ્યતન નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ નવનિર્મિત કેમ્પસમાં જેલ સહાયકથી લઈને નાયબ અધિક્ષક સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાઈબ્રેરી સહિતની ઉચ્ચ કક્ષાની તાલીમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ ખાતે યોજાનાર ઓલિમ્પિક તેમજ કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને GIPCA પરિસરમાં વિવિધ રમતોના આધુનિક ગ્રાઉન્ડ્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેનો લાભ તાલીમાર્થીઓને મળશે. ડીજીપીશ્રીએ હાલ ૯ માસની પાયાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ‘DGP કપ ૨૦૨૬-૨૭ – ગુજરાત પોલીસ રેસલિંગ ક્લસ્ટર કોમ્પિટિશન’માં સમગ્ર રાજ્યમાંથી ૨૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત જેલ વિભાગના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને ૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૨ બ્રોન્ઝ સહિત કુલ ૧૪ મેડલ પોતાના નામે કરી સમગ્ર ટુર્નામેન્ટની પ્રતિષ્ઠિત ‘ચેમ્પિયન ટ્રોફી’ હાંસલ કરી જેલ વિભાગનું નામ રોશન કર્યું છે. આ તકે ડો. રાવે જેલ વિભાગના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ‘ગુજરાત પોલીસ ડી.જી.પી. કપ કબડ્ડી (પુરુષ) ૨૦૨૬-૨૭’ સ્પર્ધા માટે જેલ વિભાગના વિવિધ જેલો અને GIPCA ખાતેથી ઉત્કૃષ્ટ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે.